અલ-નીનો ઓગસ્ટમાં ઉદ્ભવશે: ભારતીય ચોમાસા પર પ્રભાવ પાડશે

નવીદિલ્હી,

ભારતમાં આગામી ચોમાસા વિશે ચિંતા વધતી હોય તેમ અમેરિકી એજન્સીઓ સળંગ ત્રીજા મહિને અલ-નીનો ઉદભવવાની ચેતવણી જાહેર કરી છે. અમેરિકી એજન્સી દ્વારા પેસીફીક સમુદ્રનાં તાપમાનની સ્થિતિનાં આધારે માર્ચ મહિનાનાં રીપોર્ટમાં એમ જણાવ્યું છે કે જુલાઈ-ઓગસ્ટમાં અલ-નીનોનો ઉદભવ થવાની શકયતા છે.

છેલ્લા બે મહિનામાં રીપોર્ટમાં દર્શાવાયેલી શકયતા મુજબ જ બદલાવ થઈ રહ્યો છે.અમેરિકી એજન્સીઓ સળંગ ત્રીજા મહિનાના રીપોર્ટમાં અલ-નીનોની શકયતા દર્શાવતા ચિંતાજનક આગાહીને વધુ બળ મળ્યુ છે. જોકે, ભારતીય હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાંતો એવો સંકેત આપે છે કે પેસીફીક સમુદ્રનાં વસંત ૠતુના બદલાવોને લક્ષ્યમાં લેવાયા બાદ આવતા મહિને એપ્રિલમાં જ ચિત્ર સ્પષ્ટ થઈ શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પવનના પ્રવાહમાં બદલાવ સાથે પેસીફીકની દરીયાઈ સપાટીનાં ઉંચા તાપમાનથી અલ નીનો ઉદભવે છે. ભારત સહીત વિશ્ર્વના અનેક ભાગોમાં ચોમાસામાં પ્રભાવ સર્જે છે. રીપોર્ટમાં એમ કહેવાયું છે કે સળંગ ત્રણ વર્ષ સુધી લા-નીનાની સ્થિતિ હતી તે ખત્મ થઈ છે.લા-નીના અલ-નીનોથી તદ્દન વિપરીત છે. જે પેસીફીકની દરીયાઈ સપાટીને ઠંડી રાખે છે. જેનાથી ચોમાસામાં સારા વરસાદમાં મદદ મળે છે. લા-નીના ખત્મ થવા સાથે ૨૦૨૩ ના પ્રારંભીક મહિનાઓમાં ન્યુટ્રલ સ્થિતિ રહેશે અને ત્યારબાદ ઝડપથી અલ-નીનો જ ઉદભવવા લાગશે.

મહત્વની વાત એ છે કે ફેબ્રુઆરીના રીપોર્ટમાં અલ-નીનોનો ઉદભવ જુલાઈમાં થવાની શકયતા દર્શાવાઈ હતી જે હવે નવા રીપોર્ટમાં ઓગસ્ટમાં ઉદભવ થવાનું કહેવાયું છે. ભારતીય ચોમાસા માટે અલ-નીનોની સ્થિતિ ચિંતા સર્જનારી હોય છે. ખરીફ ઉત્પાદનને અસર થાય છે. જોકે જુન-સપ્ટેમ્બરના ચોમાસાને અન્ય પરિબળો પણ અસરર્ક્તા હોય છે. હિન્દ મહાસાગરની પરિસ્થિતિ બરફ વર્ષા જેવા પરીબળો પણ ભાગ ભજવતા હોય છે. ભારતમાં છેલ્લા ચાલ વર્ષથી ચોમાસા નોર્મલ બની રહ્યા હતા તેમાંથી ત્રણમાં અલ-નીનાનો પ્રભાવ હતો. ૨૦૦૯,૨૦૧૪, ૨૦૧૫ તથા ૨૦૧૮ માં અલ-નીનોની અસરે ચોમાસા નબળા હતા.