ગુજસેલના પૂર્વ સીઇઓની સંપત્તિની સરકારે તપાસ શરૂ કરી,અજય ચૌહાણે ૧૮ વર્ષમાં દેશ-વિદેશમાં ૧૦૦ કરોડની સંપત્તિ બનાવી, અમદાવાદ, ગાંધીનગરમાં ૬૬ કરોડથી વધુની પ્રોપર્ટી

  • નાગરિક ઉડ્ડયન વિભાગના નિયામક તરીકે ૧૮ વર્ષથી એકહથ્થુ શાસન

અમદાવાદ,

નાગરિક ઉડ્ડયન વિભાગના નિયામક તરીકે છેલ્લાં ૧૮ વર્ષથી અને ગુજસેલના સીઇઓ તરીકે ૧૩ વર્ષથી એકહથ્થું શાસન કરનાર કેપ્ટન અજય ચૌહાણની રાજ્ય સરકારે હકાલપટ્ટી કર્યા બાદ તેઓ લાંબી રજાઓ પર ઊતરી ગયા છે. હાલમાં તેમની પાસે એકાઉન્ટેબલ મેનેજરની એક જ પોસ્ટ છે. ત્યારે અજય ચૌહાણની દેશ-વિદેશમાં કરોડોની અપ્રમાણસર સંપત્તિનું લિસ્ટ સામે આવ્યું છે. જૈ પૈકી કેટલીક સંપત્તિના પુરાવા રાજ્ય સરકારને કરવામાં આવેલી ફરિયાદમાં રજૂ કરાયા છે.

હવે ભષ્ટાચારની ફરિયાદ સામે સરકારે કડક પગલા ભરી અજય ચૌહાણની અપ્રમાણસર સંપત્તિ ક્યાં અને કંઇ જગ્યાએ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. કેપ્ટન અજય ચૌહાણ અંદાજે રૂ. ૧૦૦ કરોડની સંપત્તિનો આસામી છે જેમાં અમદાવાદમાં પ્રહલાદનગર ખાતે રિવેરા એલિગન્સમાં બે લકઝુરિયસ ફ્લેટ, કરાઇ ગાંધીનગર અને શેલા ખાતે એમ બે મોટા ફાર્મ હાઉસ તેમજ એસજી હાઇવે અને કોમર્સ છ રસ્તા પરના પ્રાઇમ લોકેશન પર કૉમર્શિયલ પ્રોપર્ટી છે.

આ ઉપરાંત નોઇડા ખાતે પણ ફલેટ છે. તમામની મહિને રૂ. ૨૦ લાખની ભાડાની અધધ આવક પણ છે. આ તમામ પ્રોપર્ટીના પુરાવા ભાસ્કર પાસે છે. સૂ્ત્રોના જણાવ્યા મુજબ મૂળ રાજસ્થાન શ્રીશેલા ગામના રહેવાસી હોવાથી તેની આસપાસ પણ મોટી જમીનોની ખરીદી તેમજ અને અમેરિકામાં તેમની પત્નીના નામે પ્રોપર્ટી હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકામાં ગ્રીનકાર્ડ હોલ્ડર ધરાવતા અજય ચૌહાણનું એનઆરઆઇ એકાઉન્ટ પણ છે. પોટા કેબિન સરકારે જપ્ત કરી ગુજસેલમાં મૂકી દીધું. અજય ચૌહાણે કરાઇ ગાંધીનગરના ફાર્મ હાઉસમાં ગુજસેલના નામ પર ખરીદેલું લક્ઝુુરિયસ ફર્નિચર સાથે પોટા કેબિન સરકારે જપ્ત કરી દીધું છે. જે હાલમાં ગુજસેલના પ્રાંગણમાં છે. કરાઇ ગાંધીનગર ખાતે સર્વે નં ૧૧૧માં આવેલ ફાર્મ ૭૩૯૭ ચો.મીના હાઉસમાં અજય ચૌહાણે પોતાના નામ પર નહીં પરંતુ તેના નજીકના પ્રહલાદભાઇ ચૌહાણના નામે ૫૦ ટકા હિસ્સાનો ૭/૧૨માં ઉલ્લેખ છે. ટીજીબી બિલ્ડિંગ (કોમર્સ છ રસ્તા) ૧૦ કરોડ બિનોરી એમ્બિત શોપ પાંચ કુલ ૧૫ કરોડ, કોમર્સ છ રસ્તા પર આવેલ ટીજીબીને ભાડે આપેલી શોપનું ભાડું બે થી ૩ લાખ, પ્રાઇમ લોકેશન પર આવેલા બિલ્ડિંગ પર જાહેરાતના મહિને રૂ. ૧૦ થી ૧૨ લાખ આવક એસજી હાઇવે પર ડોમિનોઝને ભાડે આપેલી શોપનું ભાડું મહિને ૩.૧૭ લાખ જેનો રેન્ટ એગ્રીમેન્ટ વર્ષ ૨૦૧૭નો હરજિન્દર સિંધ બાસીન નામનો છે ગ્રેટર નોઇડાના ફ્લેટનું ભાડું વર્ષ ૨૦૧૫માં મહિને ૧૦ હજાર હતું જેનો રેન્ટ એગ્રીમેન્ટ ખુદ અજય ચૌહાણે કરેલો.

ગુજરાતના મુખ્યમંત્રીની મંજૂરી વિના જ ગુજસેલના સીઈઓ કેપ્ટન અજય ચૌહાણે પોતાના અંગત વપરાશ માટે છેલ્લાં નવ વર્ષમાં ૧૦૦ વખત સરકારના વિમાન-હેલિકોપ્ટરનો ઉપયોગ કરી કરોડો રૂપિયાનો ખર્ચ સરકારી ચોપડે દર્શાવી દીધો છે. જેને પગલે કેપ્ટન અજય ચૌહાણ પાસેથી ચાર્જ છીનવી લેવામાં આવ્યો છે. જ્યારે આઈએએસ નીતિન સાંગવાનને ચાર્જ સોંપાવામાં આવ્યો છે. અંગત સ્વાર્થ ખાતર સરકારી વાહનનો ઉપયોગ કરતા હોવાની માહિતીને આધારે તપાસ કરતાં ફરિયાદમાં તથ્ય જણાયું હતું. તપાસ દરમિયાન વિગતો સામે આવી હતી કે કેપ્ટન અજય ચૌહાણ પોતાનાં પરિવારજનોને બહાર ફરવા લઈ જવા માટે સી એમ, રાજ્યપાલ માટે વપરાતા સરકારી જેટનો ઉપયોગ કરતા હતા.