વડોદરા,
લગ્ન પ્રસંગમાં ભેટ સ્વરૂપે મળેલ નાણાથી કેનેડા મકાન ખરીદવાની ઈચ્છા ધરાવતા નવયુગલે ભારતીય ચલણના બદલે કેનેડિયન ડોલર મેળવવા સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહિલા સહિતની ભેજાબાજ ત્રિપુટીનો ભેટો થતા તેમણે ડોલરની લાલચ આપી ૪૩ લાખ પડાવી છેતરપિંડી આચરી હતી.
શહેરના ન્યુ સમા રોડ ખાતે રહેતો અર્પણ ભાનુભાઈ પટેલ ઘરેથી મોબાઈલ વેચાણ તથા રીપેરીંગનું કામ કરે છે. ૨૬ જાન્યુઆરીના રોજ તેમના ભાઈ દીપ પટેલના લગ્ન હોવાથી તે કેનેડાથી વડોદરા આવ્યો હતો. અને લગ્ન પ્રસંગમાં ભેટ સ્વરૂપે મળેલ નાણાથી કેનેડા ખાતે મકાન ખરીદવાનું હતું. જેથી ભારતીય ચલણના બદલે ડોલર મેળવવાના હોય ગુજરાતી ઇન કેનેડા ગ્રુપમાં ફેસબુકના માધ્યમથી આરતી ઉર્ફે રીંકલ જીતુભાઈ રાદડિયા (મૂળ રહે-જૂનાગઢ/હાલ રહે-કેનેડા), અંક્તિ ઉર્ફે ધુમીલ ઉર્ફે જનક જગદીશભાઈ સિદ્પરા (અંક્તિ કિશોરભાઈ ઢાકેચા) (મૂળ રહે-રાજકોટ/હાલ રહે-કેનેડા )નો સંપર્ક સાધ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારતમાં ૪૩ લાખ આપી દો હું તમને કેનેડામાં ૭૦ હજાર ડોલર ચૂકવી આપીશ. ત્યારબાદ રકમ રણછોડભાઈ મેર નામના વ્યક્તિને પહોંચતી કરવા જણાવ્યું હતું. ત્યારબાદ આંગણીયા મારફતે ૪૩ લાખ રોકડા જમા કરાવ્યા હતા. જે રકમ સુરતથી રણછોડભાઈ મેરે નામના વ્યક્તિએ મેળવી લઈ ૪૨.૭૦ લાખ આંગણીયા પેઢી મારફતે કેનેડા ખાતે આરતી અને અંક્તિને મોકલી આપ્યા હતા. ત્યારબાદ કેનેડિયન ડોલર મેળવવા સંપર્ક કરતા ત્રણેવના મોબાઇલફોન સ્વીચ ઓફ હતા. પોતે છેતરાયા હોવાની જાણ થતા તેમણે ફરિયાદ નોંધાવી છે.