લંડન,
ભારતના ભાગેડુ અને ભૂતપૂર્વ હીરા વેપારી નીરવ મોદી પાઈ-પાઈ માટે તરસી રહ્યો છે. નીરવ મોદીને હવે £૧૫૦,૨૪૭ (રૂ. ૧.૪૬ કરોડ)નો દંડ ભરવા માટે લોન લેવી પડશે. કોર્ટે નીરવ મોદીને ભારતમાં પ્રત્યાર્પણ સામેની અપીલ માટે £૧૫૦,૨૪૭ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે દંડ ભરવા માટે ૨૮ દિવસનો સમય આપ્યો હતો, પરંતુ નીરવ મોદી હજુ સુધી પૈસા જમા કરાવી શક્યો નથી.
એક અખબારના અહેવાલ મુજબ, નીરવ મોદી બાર્કિંગસાઇડ મેજિસ્ટ્રેટ કોર્ટમાં એચએમપી વાન્ડ્સવર્થથી વીડિયો લિંક દ્વારા હાજર થયો હતો. નીરવ મોદી વકીલ વિના કોર્ટમાં હાજર થયો ત્યારે આશ્ર્ચર્ય થયું. વકીલની જગ્યાએ પોતાનો બચાવ કરતા નીરવ મોદીએ કોર્ટને કહ્યું કે તેણે કેમ છેલ્લે દંડ ભર્યો નથી.
નીરવ મોદી આ કેસ કોર્ટમાં હારી ગયો હતો. કોર્ટે ૯ જાન્યુઆરીએ આદેશ આપ્યો હતો કે પ્રત્યાર્પણ સામે અપીલ કરવા માટે તેણે ખર્ચ ચૂકવવો પડશે. આ માટે ૨૮ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ નીરવ મોદી સમયસર પેમેન્ટ કરી શક્યો ન હતો.
નીરવ મોદીએ કોર્ટને કહ્યું કે તેની પાસે પૈસા નથી, તેથી તેણે દર મહિને ૧૦,૦૦૦ (રૂ. ૯.૭ લાખ) ચૂકવવાની ઓફર કરી હતી, પરંતુ વળતર ટીમે ઇનકાર કર્યો હતો. આ પછી હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. જ્યારે નીરવને કોર્ટ દ્વારા તેનું નામ, સરનામું અને જન્મ તારીખની પુષ્ટિ કરવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેણે ભારતનું સરનામું આપ્યું. આ પછી કોર્ટે તેમના યુકે એડ્રેસ વિશે પૂછ્યું. ત્યારે નીરવે જવાબ આપ્યો કે યુકેમાં તેનું કોઈ સરનામું નથી.
આ પછી કોર્ટે તેને પૂછ્યું કે તેણે દંડ કેમ ન ભર્યો. ત્યારે નીરવ મોદીએ કહ્યું કે તેની તમામ સંપત્તિઓ ફ્રીઝ કરી દેવામાં આવી છે. તેણે કોર્ટને કહ્યું કે મારી મોટાભાગની સંપત્તિ ભારતમાં છે અને હું લગભગ ૩૦ વર્ષથી ત્યાં કામ કરતો હતો, પરંતુ ખોટા આરોપો લગાવ્યા બાદ તેની સંપત્તિઓ ફ્રીઝ કરી દેવામાં આવી હતી.
કોર્ટે પછી પૂછ્યું કે તમે ફ્ર૧૦,૦૦૦ કેવી રીતે ચૂકવશો? તેના જવાબમાં નીરવે કહ્યું કે, તે છેલ્લા બે વર્ષથી લોન લઈને પોતાનું જીવન ગુજારી રહ્યો છે. તે ચાર વર્ષથી જેલમાં છે. શરૂઆતના બે વર્ષ સુધી તેમની પાસે પડેલા પૈસાથી તેમનો ખર્ચો ચાલતો હતો, પરંતુ પૈસા પૂરા થઈ ગયા હોવાથી તેઓ ઉછીના લઈને જ ગુજરાન ચલાવી રહ્યા છે. જ્યારે કોર્ટે નીરવ મોદીને પૂછ્યું કે તે શા માટે ભારત જવા માંગતો નથી, તો તેણે કહ્યું કે, “તેમને ભારતમાં ન્યાયી ટ્રાયલ નહીં મળે” કોર્ટે નીરવ મોદીને છ મહિનામાં ચૂકવણી કરવાનો સમય આપ્યો છે. ત્યાર બાદ ક્યારે અને કેવી રીતે સુનાવણી હાથ ધરવી તે નક્કી કરવામાં આવશે.