પાકિસ્તાનમાં હિંદુ ડોક્ટરની હત્યા:સ્કિન સ્પેશિયાલિસ્ટ હોળી રમ્યા એટલે ડ્રાઈવરે ગુસ્સે થઈ તેનું ગળું દબાવી હત્યા કરી

પાકિસ્તાનના હૈદરાબાદમાં મંગળવાર-બુધવારની વચ્ચેની રાત્રે એક હિન્દુ ડૉક્ટરની હત્યા કરવામાં આવી હતી. ૬૦ વર્ષીય ડૉ. ધરમ દેવ રાઠી સ્કીન સ્પેશિયાલિસ્ટ હતા. તેની હત્યા તેના ડ્રાઈવર હનીફ લેઘારીએ કરી હતી અને તે હાલ ફરાર છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમના મૃત્યુના થોડા સમય પહેલાં ડૉ. ધરમ દેવે તેમના મિત્રો સાથે હોળીની ઉજવણી કરી હતી. આ વાતથી તેનો ડ્રાઇવર હનીફ ગુસ્સે થયો હતો અને તેણે ઘરે પરત ફરતાં ડોક્ટરનું ગળું દબાવીને હત્યા કરી હતી.

ડો.રાઠી પાકિસ્તાનમાં હૈદરાબાદની સિટીઝન કોલોનીમાં રહેતા હતા. ઘટના સમયે તેમનો રસોયો દિલીપ ઠાકુર પણ રસોડામાં હાજર હતો. જોકે, જ્યારે હનીફે ડૉક્ટરને માર્યા ત્યારે તે રૂમમાં નહોતો. બાદમાં તે રૂમમાં પહોંચ્યો અને પછી પોલીસને ફોન કર્યો.એસએસપી અમજદ શેખે મીડિયા સાથે વાત કરતા આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આરોપી હનીફની શોધ ચાલી રહી છે. કૂકે પોલીસને જણાવ્યું કે જ્યારે ડૉ. રાઠી હોળીની ઉજવણી પછી ઘરે પરત ફર્યા ત્યારે હનીફે તેની સાથે લાંબા સમય સુધી દલીલ કરી.’ડૉન ન્યૂઝ’ અનુસાર – રાઠીની હત્યા પાછળનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ તેના ડ્રાઈવર હનીફને શોધી રહી છે. તેની ધરપકડ બાદ જ સાચું કારણ જાણી શકાશે. હત્યા બાદ કૂક દિલીપ આઘાતમાં છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હનીફની ધરપકડ કરવા માટે વિશેષ ટીમ બનાવવામાં આવી છે. એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ડો. રાઠી તેમના ઘરમાં એકલા રહેતા હતા. તેની પાસે બે નોકર અને એક ડ્રાઈવર હતો. તેઓ બે વર્ષ પહેલાં આરોગ્ય વિભાગમાં વરિષ્ઠ પદ પરથી નિવૃત્ત થયા હતા. તેની પત્ની અને બાળકો અમેરિકામાં રહે છે. રાઠી પણ થોડા દિવસો પછી ત્યાં શિફ્ટ  થવાના હતા. ડો.રાઠી પાકિસ્તાનના ઘણા ભાગોમાં મેડિકલ કેમ્પ લગાવીને ચામડીના દર્દીઓની મફતમાં સારવાર પણ કરતા હતા. સિંધ સરકારે તેમને એવોર્ડ પણ આપ્યો હતો. ત્રણ વર્ષ પહેલાં કરાચીમાં એક હિન્દુ મેડિકલ સ્ટુડન્ટની હત્યા કરવામાં આવી હતી. વિદ્યાર્થીનું નામ નમ્રતા ચાંદની હતું. નમ્રતા બીબી આસિફ ડેન્ટલ કોલેજ, લરકાનામાં ડોક્ટર અને પ્રોફેસર હતી. નમ્રતાનો મૃતદેહ તેના હોસ્ટેલના રૂમમાં બેડ પર મળી આવ્યો હતો. તેના ગળામાં દોરડું બાંધેલું હતું. પોલીસે તેને આત્મહત્યા ગણાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં જ્યારે મેડિકલ રિપોર્ટ આવ્યા ત્યારે સ્પષ્ટ થયું કે નમ્રતાની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી છે. નમ્રતાનો ભાઈ વિશાલ અને પિતા પણ ડોક્ટર છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે સરકાર પાસે આ મામલે યોગ્ય તપાસની માંગ કરી હતી. આશ્ર્ચર્યની વાત એ છે કે તે સમયે પાકિસ્તાને આ મામલાની તપાસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરી હતી અને તેના બંને ન્યાયાધીશોએ તેની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ કેસમાં નમ્રતાના બે સહયોગીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. બાદમાં તેને મુક્ત કરવામાં આવ્યા હતા. પેશાવર શહેરમાં ગયા વર્ષે જૂનમાં એક શીખ ડૉક્ટરની તેમના ક્લિનિકમાં જ હત્યા કરવામાં આવી હતી. સતનામ સિંહ નામના આ ડોક્ટરને ચાર ગોળી વાગી હતી. તે સમયે સિંહ ક્લિનિકમાં દર્દીઓનું ચેકઅપ કરી રહ્યા હતા. આરોપી ફરાર થઈ ગયો હતો. હુમલાખોરોની સંખ્યા એક કરતાં વધુ હતી.