ગોધરાના અટલબાગમાં રહેલી બુદ્ધની મૂર્તિને ખંડિત કરી, બાંકડા અને સ્પીકરના થાંભલાઓને પણ તોડી નાખ્યા : પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો.

ગોધરા શહેરમાં હોળી અને ધુળેટી પર્વને અનુલક્ષીને ગોધરા નગરજનો તહેવાર મનાવી રહ્યા હતા ત્યારે અટલબાગમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ક્રિકેટ અને વોલીબોલ રમવા માટે આવ્યા હતા. ત્યારે રાત્રિ દરમિયાન બેથી ત્રણ શખ્સોએ બગીચામાં મૂકેલ બુદ્ધ ભગવાનની મૂર્તિના હાથ પગ અને નાકના ભાગે ખંડિત કરીને તોડી નાખી હતી. બગીચામાં બેસવા માટેના બાંકડા અને સ્પીકરના થાંભલા પણ તોડી નાખ્યા હતા. બગીચામાં ફરજ બજાવતા વોચમેને ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

બુદ્ધની પ્રતિમા ખંડિત કરી
આ ઘટના સંદર્ભે ગોધરા તાલુકાના અટલબાગમાં વોચમેન તરીકે ફરજ બજાવતા છત્રસિંહ બારીયાએ જણાવ્યું હતું કે, આજથી બે દિવસ પહેલાં ગોધરાના અટલબાગમાં કેટલાક અજાણ્યા છોકરાઓ બગીચામાં ક્રિકેટ અને વોલીબોલ રમવા માટે આવ્યા હતા. જેથી મેં તેઓને બગીચામાં ક્રિકેટ રમવા માટે ના પાડી હોવા છતાં પણ તેઓએ ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું. જ્યારે બેથી ત્રણ અજાણ્યા છોકરાઓએ ધાર્મિક લાગણીઓ દુભાવાના ઈરાદાથી બાગમાં આવેલ બુદ્ધ ભગવાનની મૂર્તિના બંને હાથ-પગની આંગળીઓ તથા નાકના ભાગને ખંડિત કરીને નુકસાન પહોંચાડ્યું હતું.

પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો
આ ઉપરાંત તે શખ્સોએ બગીચામાં બેસવા માટેના બાંકડા તેમજ સ્પીકરના થાભલાને પણ તોડી નાખ્યા હતા. જેથી અટલબાગમાં ફરજ બજાવતા વોચમેન છત્રસિંહ કાંતિભાઈ બારીયાએ ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે અજાણ્યા બેથી ત્રણ છોકરાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.