- ઉનાળો આવતા જ ફળોના રાજાની થઈ એન્ટ્રી
- આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક
- પહેલા જ દિવસે હરાજીમાં બોલાયો 1700થી 2100નો ભાવ
ફળોનો રાજા એટલે કેરી અને તેમાં પણ જો કેસર કેરી મળી જાય તો મજા જ પડી જાય. ઉનાળાની શરૂઆત થઈ છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. આ વર્ષે બજારમાં કેસર કેરીનું અઢારથી વીસ દિવસ વહેલું આગમન થતા કેરીના રસિયામાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.
190 બોક્સની થઈ આવક
ગુજરાત સહિત દેશભરમાં તાલાલાની કેસર કેરી ખૂબ જ જાણીતી છે. ગુજરાતવાસીઓ કેરીની સિઝનમાં પુષ્કળ પ્રમાણમાં કેસર કેરીનો સ્વાદ માણતા હોય છે. તાલાલા ગીરની કેસર, કચ્છની કેસર તેમજ વલસાડની આફૂસ કેરી ગુજરાત અને દેશ-વિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે. ત્યારે આજે ગોંડલ યાર્ડમાં ઉનાના જસાધાર અને બાબરીયાની કેરીની આવક થઈ છે. યાર્ડમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેરીના 190 બોક્સની આવક થઇ છે.
હરાજીમાં બોલાયા 2100 સુધી ભાવ
આજે પ્રથમ દિવસે હરાજીમાં આ કેરીના 10 કિલોના બોક્સના 1700થી 2100 રૂપિયા ભાવ બોલાયા હતા. પહેલા જ દિવસે આટલો ભાવ બોલાતા ખેડૂતો ખુશીથી ઝૂમી ઉછ્યા હતા. સાથે જ કેરી પકવતાં ખેડૂતોને આગામી દિવસોમાં આનાથી પણ સારા ભાવ મળશે તેવી આશા જાગી હતી.