- આરોગ્ય કેન્દ્રને સ્મશાન બનાવી દીધું હોવાના કર્યા આક્ષેપો.
પંચમહાલ જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા ઘોઘંબા તાલુકાના ગામડાઓમાં વસતા આદિવાસીઓ માટે આશીર્વાદ સમાન બનેલા સામુહિક આરોગ્ય કેન્દ્રને રાજકીય કિન્નખોરીની ભોગ બનાવી હાલ સ્મશાન જેવી સ્થિતિમાં લાવી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો કેટલાક આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ડોક્ટરો હેડ ક્વાર્ટર ઉપર હાજર ન રહેતા ઇમરજન્સી સારવાર માટે ગામડાઓના દર્દીઓએ ખાનગી દવાખાનાઓમાં જાવાનો વારો આવતા ગત રાત્રે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોએ ભારે બબાલ મચાવી હતી.ગઈકાલે રાત્રે ઘોઘંબા રેફરલ હોસ્પિટલમાં વેલકોતર અને રવેરી ગામના દર્દીઓને ઇમરજન્સી સારવાર માટે ઘોઘંબા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા પરંતુ આ હોસ્પિટલમાં એકપણ ડોક્ટર હાજર ન હોવાને કારણે બંને દર્દીઓને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ જવા જણાવવામાં આવ્યું હતું. ગામડાઓના દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહે એ આશયથી મહિને લાખો રૂપિયાનો ખર્ચ કરી સરકાર હોસ્પિટલો ચલાવી રહી છે, ત્યારે આવા સમયે દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં મોકલી દેવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.
રાત્રે ઇમરજન્સી સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા લાવવામાં આવેલા દર્દીઓને ડોક્ટર હાજર ન હોવાથી સારવાર ન મળતા વેલકોતર ગામના સરપંચ અને રહીશોએ હોસ્પિટલ ખાતે આવી હોબાળો મચાવી મુકતા સ્થાનિક ભાજપના પ્રમુખ પણ અત્રે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ જોતા ઉચ્ચ કક્ષાએ ડોક્ટરની ગેરહાજરી બાબતે રજુઆત કરી હતી. 24×7 ની હોસ્પિટલ હોવાથી અત્રે અધિક્ષક અને બે ડોક્ટરનું નિયમિત મહેકમ હોવા છતાં ડોક્ટરો હેડ ક્વાર્ટર ઉપર હાજર નથી રહેતા અને સાંજે કે રાત્રે દર્દીઓ આવે ત્યારે ખાનગી હોસ્પિટલોમાં મોકલી દેવામાં આવતા હોવાનો રોષ લોકો ઠાલવી રહ્યા હતા.