ભારે પવનના કારણે ગિરનારની રોપ-વે સેવા બંધ કરાઈ

જુનાગઢ,

રાજ્યમાં આજે અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના ઘણાં ભાગોમાં સામાન્ય કરતા તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. રસ્તાઓ પર અને ખુલ્લા મેદાનોમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે. પવનની ગતિ વધુ હોવાથી જુનાગઢમાં રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં અહીં રોપ-વેની મુસાફરી માણવા માટે લોકો પહોંચતા હોય છે, પરંતુ રોપ-વેની સેવા સુરક્ષા કારણોને ધ્યાનમાં  રાખીને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવના કારણે રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંદાજીત ૬૦-૭૦ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે, આવામાં જાન-માલનું નુક્સાન ના થાય તે માટે તકેદારીના પગલા ભરવામાં આવ્યા છે.

યાત્રીઓની સલામતીને ધ્યાનમાં રાખીને રોપ-વે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ જ્યારે પવનની ગતિ ઓછી થશે ત્યારે ફરી એકવાર રોપ-વેની સેવા કાર્યરત કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવી રહ્યું છે.

હવામાન વિભાગે વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. જેમાં અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, તાપી, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, કચ્છમાં ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૪ દિવસ સુધી રાજ્યમાં માવઠા થશે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ તથા ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં આગામી દિવસોમાં પણ ભારે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.