પુલવામા હુમલાના ૩ શહીદોની વિધવાઓએ રાજ્યપાલ કલરાજ મિશ્રા પાસે ઈચ્છામૃત્યુની માંગ કરી

જયપુર,

રાજસ્થાન સરકાર પર તેમને આપેલા વચનો પૂરા ન કરવાનો આરોપ લગાવતા જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં ૨૦૧૯ના આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા ત્રણ CRPF જવાનોની વિધવાઓએ રાજ્યપાલ કલરાજ મિશ્રા પાસે ઈચ્છામૃત્યુની માંગ કરી છે. ભાજપના રાજ્યસભા સભ્ય કિરોડી મીણાએ આ દાવો કર્યો હતો.

મીણા છેલ્લા કેટલાક દિવસોથી શહીદોના પરિવારજનો સાથે ત્યાં ધરણા પર બેઠા છે. સાંસદ મીણા શહીદોની વિધવાઓ સાથે રાજ્યપાલને મેમોરેન્ડમ આપવા રાજભવન ગયા હતા. રાજભવનમાંથી બહાર આવ્યા બાદ જ્યારે તેઓ મુખ્યમંત્રી આવાસ તરફ જવા લાગ્યા તો પોલીસે તેમને રોક્યા. સાંસદે ટ્વીટ કર્યું છે કે, શનિવારે ત્રણેય વીરાંગનાઓ સાથે રાજ્યપાલ કલરાજ મિશ્રાને મેમોરેન્ડમ આપવા માટે રાજભવન ગયા હતા. મેમોરેન્ડમ આપ્યા બાદ જ્યારે વિધવાઓ મુખ્યમંત્રીને મળવા મુખ્યમંત્રી આવાસ પર પહોંચી ત્યારે પોલીસ દ્વારા તેમની સાથે દુર્વ્યવહાર અને મારપીટ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, તેમાં પુલવમા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા રોહિતાશ્ર્વ લાંબાની પત્ની વીરાંગના મંજૂ જાટ ઘાયલ થઈ ગઈ છે. તેમને એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

ભાજપના નેતાએ કહ્યું કે, રાજ્ય સરકાર શહીદોના પરિવારોની વાજબી માંગણીઓ પૂરી કરવાને બદલે તાનાશાહી કરી રહી છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, પોલીસે તેની સાથે તે સમયે પણ ગેરવર્તન કર્યુ હતું જ્યારે તેઓ હાલમાં જ વિધાનસભા દ્વાર પર વિરોધ કરી રહ્યા હતા. મીણા શહીદોની વિધવાઓ મંજૂ જાટ, મધુબાલા,સુંદરી દેવી અને રેણુ સિંહ સાથે રાજભવન ગયા અને ઈચ્છામૃત્યુની માંગ કરતુ મેમોરેન્ડમ સોંપ્યુ હતું. પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા ત્રણ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાન રોહિતાશ લાંબા, હેમરાજ મીણા અને જીતરામ ગુર્જરના પરિવારજનો સાથે સાંસદ મીણા મંગળવારથી શહીદ સ્મારક પર ધરણા પર બેઠા છે.