દિવાળી પૂર્વે એકાએક પાંચ દિવસનું સફાઇ કામદારોનું અલ્ટીમેટમ ગોધરામાં તહેવારોમાં સફાઈ કામગીરી ઠપ્પ કરી દેવાની ચિમકીથી પાલિકામાં દોડધામ

  • સફાઈ મજુર સંઘ પંચમહાલ-દાહોદની પ્રમુખ અને સીઈઓને રજુઆત.
  • લાંંબા સમયથી પડતર પ્રશ્ર્નો નહીં ઉકેલાતા અન્યાયની લાગણી.
  • પાંચ વર્ષ પૂર્ણ થતાં તેઓને પૂરા પગારે કાયમી કરવા માંગ.
  • અત્યાર સુધીનો તફાવત નાણાં બાકી છે તે ચુકવવા.
  • દિવાળીના તહેવારોમાં ખરીદી કરવાની હોવાથી ચડેલો પગાર ચુકવવો.
  • તહેવારોમાં જોગવાઈ અનુસાર બોનસ ચુકવવું.
  • શિયાળાની ઋતુના ગરમ કપડાં આપવા.
  • પાલિકાના વાંકે નગરજનોને ગંદકીમાં તહેવાર ઉજવણી કરવી પડે તેવી ભીતિ.

ગોધરા,
ગોધરા નગર પાલિકામાં કરાર આધારીત ૬૬ સફાઈ કામદારોના પાંચ વર્ષ પુર્ણ થઈ ગયેલ હોવા છતાં પુરા પગારમાં સમાવેશ કરેલ નથી. જેથી તેઓને પુરા પગારમાં સમાવેશ કરવા તથા છેલ્લા ત્રણ માસના ચઢેલા પગાર ચુકવવા આગામી દિવાળીના મહાપર્વ નિમિતે તેઓને અડવાન્સ તેમજ સરકારના નિયમોનુસાર બોનસ આપવની માંગ કરાઈ છે. જો પાંચ દિવસમાં પ્રશ્ર્નોનો નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવાની ૫ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. તહેવારોમાં સફાઈ કામગીરી ઠપ્પ કરી દેવાની ચિમકીથી પાલિકામાં દોડધામ મચી ગઈ છે.

સફાઈ મજૂર સંઘ પંચમહાલ-દાહોદે કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, કરાર આધારીત ૬૬ સફાઈ કામદારોની નગર પાલિકા ગોધરા દ્વારા તા.૦૬/૦૭/૨૦૧૫ થી ૦૫/૦૬/૨૦ સુધી પાંચ વર્ષની મુદત માટે નિમણૂંક કરવામાં આવેલી હતી અને ફિકસ પગારની નીતિ અનુસાર આ ૬૬ સહાયક સફાઈ કામદારોને ચૂકવવામાં આવે છે. જેમાં પાંચ વર્ષ પૂર્ણ થયેથી સફાઈ કામદારોને પૂરા પગારમાં સમાવેશ કરવા માટે જે શરતો અને બોલીઓ લેખિતમાં નગર પાલિકા દ્વારા મુદ્દાનં.(૧૯)માં જણાવ્યા પ્રમાણે આ યોજના હેઠળ નિમણૂંક મેળવેલ ઉમેદવારની પાંચ વર્ષની સેવાઓ/ફરજો સંતોષકારક જણાય તો પાંચ વર્ષ બાદ તેઓને જે તે સંવર્ગના નિયમિત પગાર ધોરણમાં લુધતમ પગારમાં નિયમિત નિમણૂંક આપવાની રહેશે. એટલે કે પાંચ વર્ષ બાદ જે તે જગ્યાઓ પુરા પગાર ધોરણમાં આપોઆપ પરિવર્તિત થયેથી ગણાશે. પરંતુ આ નિમણુંક તેમની નવી નિમણુંક ગણાશે અને તે સમયે નિયમોનુસાર મળવાપાત્ર ભથ્થા/સવલતો મળવાપાત્ર થશે.

હાલ સત્તાધિશો દ્વારા મૌખિકમાં એવું કહેવામાં આવે છે હાજરીના દિવસો પૂરા થતા નથી. જેથી દરેક કર્મચારીના દિવસો પુરા થયા બાદ તમોને પુરા પગારમાં કાયમી નિમણૂંક આપીશું. પરંતુ સરકાર દ્વારા એવો ઠરાવ કે પરિપત્રો કરવામાં આવ્યા નથી કે, પોતે નગર પાલિકાએ જ મુદ્દા નં.(૧૯)માં સ્વીકાર કરેલ છે કે, પાંચ વર્ષ બાદ જે તે જગ્યાઓ પુરા પગાર ધોરણમાં આપોઆપ પરિવર્તિત થયેલી ગણી પુરા પગારમાં સમાવેશ કરી કાયમી કર્મચારીનો હુકમ આપવા જોઈએ.

આ કરાર આધારિત ૬૬ સહાયક સફાઈ કામદારોની નિમણૂંકોને તા.૦૫/૦૬/૨૦૨૦ના રોજ પાંચ વર્ષનો સમયગાળો પૂર્ણ ગઈ ગયેલ છે. તો તા.૦૬/૦૬/૨૦૨૦ થી જે તે તારીખે પુરા પગારમાં સમાવેશ કરવા હુકમ કરે ત્યાં સુધીના તફાવતના નાણાં ગોધરા નગર પાલિકા દ્વારા બાકી હોવાથી ૬૬ સફાઈ કામદારોને ચુકવવા વિનંતી છે.

છેલ્લા બે માસના ચઢેલા પગારો વહેલામાં વહેલી તકે કરી સફાઈ કામદારોને દિવાળી જેવા તહેવારોમાં કપડા, મીઠાઈ તેમજ અન્ય ચીજવસ્તુઓની ખરીદી કરવાની હોઈ જેથી વહેલી તકે ચઢેલા પગારો કરવા જોઈએ.

હાલમાં આગામી દિવસોમાં દિવાળી જેવા મહાન ધાર્મિક તહેવારો આવતા હોઈ જેથી સરકારની જોગવાઈઓ અનુસાર બોનસની રકમ તેમજ સફાઈ કામદારોને એડવાન્સની રકમ આપવા વિનંતી છે. રોજમદાર તેમજ કાયમી સફાઈ કામદારોને મળવાપાત્ર સફાઈના સાધનો જેવાં કે, ઝાડુ, કચરાં ભરવા માટેની ગાડી, પાવડા, તગારા, સુપડી વગેરે વહેલી તકે પૂરા પાડવા. હાલ શિયાળાની ઋતુ શ‚ થતાં ગરમ જર્શી કે સ્વેટર આપવા તેમજ બુટ, ચંપલ વિગેરે આપવા.

વધુમાં જણાવ્યું હતું કે, આ તમામ સફાઈ કામદારોએ જ્યારે કોરોના જેવી ગંભીર બિમારીના કપરા સમયમાં આ કોરોના વોરીયર્સોએ પોતાનો તથા પોતાના પરિવારનો જીવ જોખમમાં મૂકી નગરની સફાઈ સેવા એક દિવસ પણ બંધ રાખ્યા વિના પોતાની કર્મનિષ્ઠ ભૂમિકા અદા કરી હતી અને જ્યારે આવા કર્મનિષ્ઠ કર્મચારીઓને પાંચ વર્ષ જેટલો સમય પૂર્ણ કરતા કાયમી સફાઈ કામદારો તરીકે પૂરા પગારમાં સમાવેશ કરવા અંંગે નગર પાલિકા મનસ્વી વલણને કાયદાની આંટી ઘૂંટી બતાવે છે તે ખરેખર અન્યાય છે. જેથી કામદારોના પ્રશ્ર્નોનો તાત્કાલિક નિકાલ લાવવામાં નહીં આવે તો પાંચ દિવસમાં કોઈપણ જાતની નોટીસ વિના અમારા હકકો માટે ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવીને ગોધરા શહેરની સફાઈ બંધ કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવતાં પાલિકામાં દોડધામ મચી જવા પામી છે.

ઓર્ડર વખતે પાલિકા એ આપેલી બાંહેધરી…..

ગત તા.૩૦/૦૬/૨૦૧૫ના રોજ પાલિકા એ આપેલા ઓર્ડરમાં જણાવ્યું હતું કે, અરજીના અનુસંધાને પસંદગી સમિતિ અને ભરતી પ્રક્રિયા અનુસંધાને સહાયક સફાઈ કામદાર વર્ગ-૪ તરીકેની જગ્યા ઉપર શરતોને આધિન નિમણૂંક કરી અને તેની પાંચ વર્ષની મુદ્દત માટે તા.૦૬/૦૭/૨૦૧૫ થી તા.૦૫/૦૬/૨૦૨૦ સુધી કરવામાં આવી છે. ફિકસ પગારની નીતિ અનુસાર માસીક રૂપીયા ૭૧૦૦/- ચુકવાશે. આ જગ્યા માટે પાંચ વર્ષ સુધી ફિકસ વેતન આપીને પાંચ વર્ષ બાદ આ જગ્યા માટે પાલિકા એ ઠરાવેલ ધોરણે વેતન અપાશે.