હોંગકોંગમાં ૪૨ માળની બિલ્ડિંગમાં ભીષણ આગ,૯ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો, ૧૭૦ લોકોને બચાવી લેવાયા,

હોંગકોંગ,

હોંગકોંગના સિમ શા સુઈ જિલ્લામાં એક ૪૨ માળની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી ભયાનક હતી કે આગ પર કાબુ મેળવવામાં ૯ કલાક જેટલો સમય લાગી ગયો હતો. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તે શોપિંગ વિસ્તારમાં આવેલી છે અને તેમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું. દુર્ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે સદનસીબે આ આગમા કોઈ જાનહાની થઈ નહોતી.

ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે ૧૧ વાગે એક બિલ્ડિંગમાં આગ લાગી હોવાના સમાચાર મળ્યા હતા. અમે તરત જ ફાયરની એક ટીમ રવાના કરી દીધી હતી. જો કે આગ એટલી ભયાનક હતી કે ૨૫૦ જેટલા ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ શુક્રવારે સવારે લગભગ ૮ વાગે આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ દુર્ઘટના મોડી રાત્રે બની હતી, જેથી આસપાસના વિસ્તારોમાં વધુ લોકો નહોતા. અમે ૧૭૦ લોકોને બચાવી લીધા હતા.

એક અધિકારીએ જણાવ્યું હતું કે જે બિલ્ડિંગમાં આગ લાગી હતી, ત્યાં એક મોટી ક્લબ અને લક્ઝરી હોટલ હતી. આ બિલ્ડિંગને રીનોવેશન કરવામાં આવી રહી હતી, માટે કેટલાક માળ પર કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતું. આ માટે ૨૦૧૯માં રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ મંજુર કરવામાં આવ્યો હતો. આ કામ જુન ૨૦૨૩ સુધીમાં પુરુ થવાનું હતું. જો કે કયા કારણોસર આટલી વિકરાળ આગ ભભુકી ઉઠી હતી, તે જાણી શકાયું નથી. આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે.