લોક્સભા-૨૦૨૪ ચૂંટણી ટીએમસી એકલા જ લડશે,અમારુ ગઠબંધન જનતા સાથે : મમતા બેનર્જી

કોલકાતા,

એક તરફ લોક્સભા ચૂંટણી ૨૦૨૪ માટે વિપક્ષની પાર્ટીઓ હાંકલ કરીને એકજુથ થવાનું અભિયાન ચલાવી રહ્યું છે. જ્યારે, આ તરફ તૃણમુલ કોંગ્રેસે વિપક્ષના એકજુથના આ અભિયાનથી પોતાને અલગ કરી લીધું છે. પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોક્સભાની ચૂંટણી એકલા જ લડવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે અને ૨૦૨૪ની ચૂંટણી એકલા જ લડીશું ટીએમસી કોઈપણ રાજકીય પાર્ટી સાથે ગઠબંધન કરશે નહીં. ટીએમસીનું ગઠબંધન જનતા સાથે થશે.

મમતાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગયા બુધવારે (૧ માર્ચ) તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના જન્મદિવસે વિપક્ષી એક્તાનું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું. મંચ પરથી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તમામ વિપક્ષની પાર્ટીઓને એક થવા અપીલ કરી હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે જે લોકો ભાજપને હરાવવા માંગે છે, મને વિશ્ર્વાસ છે કે તેઓ અમારી પાર્ટીને મત આપશે. તેમણે દાવો કર્યો હતો કે લવોકો તેમની સાથે છે અને આશા વ્યક્ત કરી હતી કે ૨૦૨૪ લોક્સભાની ચૂંટણીમાં પણ આવું જ થશે.

વાસ્તવમાં બંગાળના મુખ્યમંત્રી ત્રિપુરા વિધાનસભા ચૂંટણીના પરિણામોના સંદર્ભમાં બોલી રહ્યા હતા. મમતાએ કહ્યું- જેઓ સીપીઆઈ(એમ) અને કોંગ્રેસને વોટ આપી રહ્યા છે, ખરેખરમાં તેઓ ભાજપને જ વોટ આપી રહ્યા છે. આ સત્ય આજે જ સામે આવ્યું છે. જણાવીએ કે ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીને એક પણ સીટ મળી નથી.

સાગરદિઘીમાં કોંગ્રેસ-ડાબેરી ગઠબંધનના ઉમેદવારની જીત બાદ મમતા બેનર્જીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે સાગરદીઘી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાના વોટ કોંગ્રેસને ટ્રાન્સફર કર્યા છે. મમતાનું આ નિવેદન સાગરદિઘી પેટાચૂંટણીમાં કોંગ્રેસના બાયરન બિસ્વાસની લગભગ ૨૩ હજાર મતોથી જીત બાદ આવ્યું છે.

આ પહેલીવાર નથી જ્યારે ટીએમસીએ કોંગ્રેસ પર ટીપ્પણી કરી હોય. એક સમયે મમતા બેનર્જીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે યુપીએ શું છે, હવે કાઈ યુપીએ નથી આપણને મજબૂત વિકલ્પની જરૂર છે. મમતાએ ગયા વર્ષે મુંબઈમાં એનસીપી ચીફ શરદ પવાર સાથેની મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યું હતું.

કોંગ્રેસ અને ટીએમસી વચ્ચેની ખટાશ ત્યારે સામે આવી જ્યારે રાહુલ ગાંધીએ શિલોંગમાં ભાજપ અને ટીએમસી પર નિશાન સાયું. તેમણે લોકોને કહ્યું કે તમે ટીએમસીનો ઈતિહાસ જાણો છો. બંગાળમાં થયેલી હિંસા વિશે પણ આપણે જાણીએ છીએ. આખી દુનિયા તેમની પરંપરા જાણે છે. ટીએમસી ગોવા ગઈ અને ચૂંટણી દરમિયાન ઘણા પૈસા ખર્ચ્યા કારણ કે તેમનો ઉદ્દેશ્ય ભાજપને મદદ કરવાનો હતો. મેઘાલયમાં પણ ટીએમસીનો ઉદ્દેશ્ય ભાજપને સત્તામાં લાવવાનો છે.

તમિલનાડુમાં, બુધવારે ચેન્નાઈમાં ડીએમકે અધ્યક્ષ એમકે સ્ટાલિનના ૭૦મા જન્મદિવસની ઉજવણીના પ્રસંગે વિપક્ષી નેતાઓ એક થયા હતા. સમારંભમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- મેં ક્યારેય નથી કહ્યું કે કોણ વડાપ્રધાન બનશે અથવા કોણ નેતૃત્વ કરશે. આ કોઈ પ્રશ્ર્ન નથી, હું માત્ર એટલું ઈચ્છું છું કે આપણે સાથે મળીને લડવું જોઈએ. જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ ખડગેની વાતનું સમર્થન કરતા કહ્યું કે આપણે સાથે મળીને ચૂંટણી લડવી જોઈએ. વડાપ્રધાન કોણ બનશે તે પછી નક્કી કરીશું.