- દેશમાં કુલ ૪૦૩૩ ધારાસભ્યો છે જેમાંથી ૬૫૮ કોંગ્રેસના રહી ગયા છે. ૫ રાજ્યોમાં ૦ ધારાસભ્ય
નવીદિલ્હી,
ભાજપનો સૂરજ પૂર્વમાં ઉગ્યો છે તો કોંગ્રેસનો આથમી ગયો છે. ગુરુવારે સવારે ઇવીએમ ખોલતાની સાથે જ તે સ્પષ્ટ થઈ ગયું – ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં કોંગ્રેસ માટે માત્ર નિરાશા છે. નાગાલેન્ડમાં કોંગ્રેસ શૂન્ય હતી, શૂન્ય રહી. ત્રિપુરામાં તે ૦ થી ઘટીને ૩ પર પહોંચી છે.. મેઘાલયમાં તે ૨૧ થી ઘટીને ૫ પર આવી ગઈ છે. મેઘાલયમાં જ્યાં કોંગ્રેસનો દબદબો હતો ત્યાં હવે ભાજપના ટેકાથી સરકાર બની રહી છે. મેઘાલયમાં અમિત શાહને ફોન કરી ટેકાની માગ કરાઈ છે. બીજી તરફ, મોદીની ભાજપ ત્રિપુરામાં બહુમતીના સહારે સરકાર બનાવવા જઈ રહી છે, જ્યારે બાકીના બે રાજ્યોમાં તે ગઠબંધન કરવા જઈ રહી છે.
કોંગ્રેસની આ સ્થિતિ ૨૦૧૪થી યથાવત છે. કેટલાક રાજ્યોને બાદ કરતાં દેશની આ ભવ્ય પાર્ટી ઝડપથી સંકોચાઈ રહી છે. દેશમાં કુલ ૪૦૩૩ ધારાસભ્યો છે જેમાંથી ૬૫૮ કોંગ્રેસના રહી ગયા છે. જેમાં સિંહફાળો રાજસ્થાન, છત્તીસગઢનો છે. છેલ્લા ૮ વર્ષમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ૨૪% થી ઘટીને ૧૬% થઈ ગઈ છે. પાંચ રાજ્યોમાં પાર્ટીનો એકપણ ધારાસભ્ય બાકી નથી. ૯ રાજ્યોમાં ૧૦થી ઓછા ધારાસભ્યો છે. ગુજરાતમાં પણ કોંગ્રેસનાં વળતાં પાણી થઈ ગયાં છે. એક સમયે ભાજપને પડકાર આપતી કોંગ્રેસ હવે સંકોચાઈને ૧૭ ધારાસભ્યો પર આવી ગઈ છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પૂરતા પ્રયાસો છતાં મોદીકાળમાં કોંગ્રેસને વળતો ઘા કરતાં દાયકાઓ લાગશે. જ્યાં સુધી મોદીનો સૂરજ અસ્ત ના થાય ત્યાં સુધી રાહુલે વિપક્ષમાં બેસવાનો વારો આવશે.
૧૯૫૧માં તમિલનાડુ સિવાય તમામ રાજ્યોમાં સરકાર બનાવનાર કોંગ્રેસ પાસે હવે માત્ર ૩ રાજ્યોમાં સીએમ બચ્યા છે. કોંગ્રેસે મોદીના પીએમ બન્યા બાદના ભાજપના દબદબામાં કુલ ૩૩૧ ધારાસભ્યો ગુમાવ્યા છે. ૨૦૧૪ પહેલાં ૩૦ વિધાનસભામાં ૯૮૯ ધારાસભ્યો કોંગ્રેસના હતા. હવે ૩ રાજ્યોની ચૂંટણી બાદ દેશમાં કોંગ્રેસના ૬૫૮ ધારાસભ્યો રહી ગયા છે. મોદીના શાસનમાં કોંગ્રેસે ૩૩૧ ધારાસભ્યો ગુમાવ્યા છે જ્યાં ભાજપે ૪૭૪ ધારાસભ્યો વધાર્યા છે.
હાલમાં દેશમાં કુલ ૪૦૩૩ ધારાસભ્યો પૈકી ભાજપના ૧૪૨૧ ધારાસભ્યો છે. કોંગ્રેસ પહેલાં ૬ રાજ્યોમાં મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવી રહી હતી. જ્યાં હવે કોંગ્રેસની પડતી છે. ૨૦૧૪માં કોંગ્રેસ ફક્ત સિક્કીમમાં ૦ હતી હવે ૫ રાજ્યોમાં સાફ થઈ ગઈ છે. છેલ્લાં ૯ વર્ષમાં કોંગ્રેસની સત્તા ૧૧માંથી ઘટીને ૬ રાજ્યોમાં રહી ગઈ છે. ૨૦૧૪ બાદ દેશમાં મોદી શાસનમાં યોજાયેલી ૫૩ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ફક્ત ૧૨માં જીત મેળવી શકી છે. આમ કોંગ્રેસનાં વળતાં પાણી થઈ રહ્યાં છે.