આતંકી મુશ્તાક ઝરગરનું મકાન અંતે ટાંચમાં લેવાયું

શ્રીનગર,

કંદહાર વિમાન અપહરણ કેસના આરોપી અલ-ઉમર મુજાહિદ્દીનના નેતા અને મુખ્ય કમાન્ડર મુશ્તાક ઝરગરની શ્રીનગર સ્થિત સંપત્તિને ગુરુવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા જપ્ત કરવામાં આવી હતી. શ્રીનગરના ગની મોહલ્લામાં આવેલું આ ઘર ૫૪૪ ચોરસ ફૂટનું છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને પોલીસની કડક સુરક્ષા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ઝરગર બહેનોની હાજરીમાં કાર્યવાહી અંગે નોટિસ ચોંટાડી હતી.

બહેનોએ થોડો વાંધો ઉઠાવ્યો પણ તેમને ક્યાંયથી સમર્થન મળ્યું નહીં. ૧૯૯૯માં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ પ્લેન હાઇજેક કરીને કંદહાર લઇ ગયા હતા. ત્યાં ૮૧૪ મુસાફરોની મુક્તિના બદલામાં ત્રાસવાદીઓની માંગણી પર મસૂદ અઝહર અને મુશ્તાક ઝરગરને મુક્ત કરવામાં આવ્યા હતા. આતંકવાદી મુશ્તાક ૧૯૮૭માં મુતી મોહમ્મદ સઈદની પુત્રી રબૈયા સઈદના અપહરણમાં પણ સામેલ હતો.

મુશ્તાકને કેન્દ્ર સરકારે UAPA ની ચોથી અનુસૂચિ હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ઝરગર માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્ર્વ માટે ખતરો છે. તે જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં હોવાનું પણ કહેવાય છે. પાકિસ્તાને જાણીજોઈને ઝરગરનું નામ મુક્ત આતંકી યાદીમાં સામેલ કર્યું હતું.