અગરતલ્લા,
ત્રિપુરામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૩૨ બેઠક પર જીત મેળવી છે. આ જીતમાં મુખ્ય યોગદાન રાજ્યના મુખ્ય પ્રધાન માણિક સાહાનું રહ્યું છે. જોકે, હવે એવા સમાચાર જાણવામળી રહ્યા છે કે ભાજપ રાજ્યના સીએમને બદલવાનો વિચાર કરી રહી છે.
મળતી માહિતી મુજબ ભાજપ અહીં મહિલા મુખ્ય પ્રધાનની ફોર્મ્યુલા અપનાવી શકે છે. પાર્ટી હાઇ કમાન્ડ કેન્દ્રીય પ્રધાન પ્રતિભા ભૌમિકના નામ પર વિચાર કરી રહી છે. જોકે, આનો અમલ ક્યારે કરવામાં આવશે એ અંગે અનિશ્ર્ચિતતા છે.
‘પ્રતિમા દી’ના નામથી જાણીતા ભૌમિક ૨૦૧૯ની છેલ્લી સામાન્ય ચૂંટણીમાં તે પશ્ર્ચિમ ત્રિપુરા મતવિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા હતા અને પ્રથમ વખત સાંસદ બન્યા હતા. અગરતલાની ત્રિપુરા મહિલા કોલેજમાંથી વિજ્ઞાનમાં સ્નાતક, ભૌમિક લાંબા સમયથી સક્રિય રાજકારણી હોવા છતાં હંમેશા લો-પ્રોફાઇલ જાળવી રાખે છે.
નાગાલેન્ડમાં પણ વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વાર બે મહિલા ચૂંટાઇને આવી છે. ઉત્તર-પૂર્વના વિસ્તારોમાં મોદી સરકારે પરિવર્તનની આંધી ફૂંકી છે. મહિલા સશક્તિકરણ, બાળકલ્યાણ, રમતગમતના ક્ષેત્રને પ્રાધાન્ય, માળખાકીય સુધારા જેવા અનેક પ્રયાસો હાથ ધર્યા છે. એવા સમયે ત્રિપુરાની લગામ કોઇ મહિલાના હાથમાં આવે તો કોઇને આશ્ર્ચર્ય નહીં થાય.