10 રાજ્યમાં પેટા ચૂંટણી : મધ્ય પ્રદેશમાં હિંસા, UP માં બહિષ્કાર, જાણો સમગ્ર ઘટનાક્રમ

3 નવેમ્બર મંગળવારે દેશના અનેક રાજ્યોમાં એક સાથે પેટા-ચૂંટણીઓ યોજવામાં આવી હતી. આ પેટા ચૂંટણીઓ 10 રાજ્યોની 54 બેઠકો પર યોજાઇ હતી. જેમા મહત્તમ 28 બેઠકો મધ્ય પ્રદેશની છે. જ્યાં ઘણા સિંધિયા તરફી ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા અને કમલનાથ સરકાર પડી હતી. હવે આ બેઠકો પરની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે ખૂબ મહત્વની છે. મધ્યપ્રદેશમાં મતદાનનું પ્રમાણ વધુ સારું રહ્યું. અહીંયા 66 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું.

મધ્ય પ્રદેશમાં હિંસા

આ પેટા-ચૂંટણીઓના મતદાન દરમિયાન કેટલાક સ્થળોએ હિંસાના બનાવો પણ જોવા મળ્યા હતા. મધ્યપ્રદેશની પેટા ચૂંટણીમાં કુલ 355 ઉમેદવારો મેદાનમાં હતા. પરંતુ મતદાન દરમિયાન, મુરેના અને ભીંડના કેટલાક વિધાનસભા મત વિસ્તારોમાં હિંસા થયાના અહેવાલો આવ્યા હતા, કેટલીક જગ્યાએ ગોળીબારની ઘટના પણ બની હતી. જેના માટે પોલીસે કેટલાક લોકોને કસ્ટડીમાં લઇ કેસ નોંધ્યો હતો. મધ્યપ્રદેશમાં સાંજે સાત વાગ્યા સુધીમાં 66. 37 ટકા મતદાન થયું હતું.

યુપીની 7 બેઠકો પર મતદાનનો બહિષ્કાર

ઉત્તર પ્રદેશમાં કુલ 7 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી. તમામ બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન કરાયું હતું. સાંજે 7 વાગ્યા સુધીમાં 51.57% મતદાન નોંધાયું હતું. જો કે, બાદમાં મતદાનની ટકાવારીમાં થોડો વધારો થઈ શકે છે. યુપીમાં પણ આ 7 બેઠકો ભાજપ અને વિરોધી પક્ષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ અહીં અમરોહાની વિધાનસભા બેઠક પર એક ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આ પછી, જિલ્લા મેજિસ્ટ્રેટ ઉમેશ મિશ્રા લોકોને સમજાવવા નૌગવાન સદત વિધાનસભા ક્ષેત્રના સબદલપુર શુમાળી પહોંચ્યા હતા, પરંતુ લોકો સહમત ન હતા. હકિકતમાં ગામથી હસનપુર સુધી 7 કિ.મી.ના માર્ગના નિર્માણના અભાવે લોકોમાં રોષ છે. ડીએમ 10 નવેમ્બરથી રસ્તો બનાવવાની ખાતરી આપી છે. આ પછી પણ લોકો મતદાન નહીં કરવા અંગે મક્કમ રહ્યા. આ ગામમાં 663 મતદારો છે.

ગુજરાતમાં પેટા-ચૂંટણી

ગુજરાતમાં પણ 3 નવેમ્બરના રોજ 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી અને લોકોએ ભારે મતદાન કર્યું હતું. અહીં સાંજના 7 વાગ્યા સુધીમાં કુલ 57.98% મતદાન થયું હતું. તમામ બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ રીતે કરવામાં આવ્યું હતું. અહીં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે હરીફાઈ ચાલી રહી છે. ગુજરાતની અમરેલી, બોટાદ, ડાંગ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડ બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાઈ હતી. ગુજરાતમાં મતદારોને રિઝવવા પૈસા આપવામાં આવ્યા હોવાના વિડીયો સામે આવ્યા હતા. જેને લઈને રાજકારણ ગરમાયું છે.

કર્ણાટક-ઝારખંડની 2-2 બેઠકો પર પેટા ચૂંટણી

કર્ણાટક અને ઝારખંડમાં 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. બંને રાજ્યોની 2-2 બેઠકો પર પેટાચૂંટણી થઈ હતી. કર્ણાટકમાં સાંજે 7 વાગ્યા સુધીમાં કુલ 51.3 ટકા મતદાન થયું હતું, જ્યારે ઝારખંડમાં 62.51 ટકા મતદાન થયું હતું. બંને રાજ્યો તરફથી કોઈ હિંસા થયાના સમાચાર નથી. જો કે, આ સમયગાળા દરમિયાન કર્ણાટક કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડી.કે.શિવકુમારે આરોપ લગાવ્યો હતો કે ભાજપના ઉમેદવારે રાજરાજેશ્વરી નગર બેઠક પર 42,000 બનાવટી મતદારોનો સમાવેશ કર્યો છે. ઝારખંડની બોકારો અને દુમકા બેઠકો પર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. કર્ણાટકની બીબીએમપી (મધ્ય) અને તુમ્કુર બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજવામાં આવી હતી.

નાગાલેન્ડ અને ઓડિશામાં વધુ સારું મતદાન

નાગાલેન્ડ અને ઓડિશામાં પણ 2-2 બેઠકો પર પેટાચૂંટણી થઈ હતી. બંને રાજ્યોમાં મતદાનની ટકાવારી ઘણી સારી હતી. નાગાલેન્ડમાં 83.69 ટકા મતદાન થયું હતું, જ્યારે ઓડિશામાં 68.08 ટકાએ મતદાન કર્યું હતું. નાગાલેન્ડની આંગામી -1 અને પુંગારો કિફિર બેઠકો પર મતદાન થયું હતું, જ્યારે ઓડિશાના તીર્થોલ અને બાલાસોર વિધાનસભા ક્ષેત્રની પેટા-ચૂંટણીઓ હતી. સવાર-સાંજ બંને મતદાન દરમિયાન કોઈ ઘટના પ્રકાશમાં આવી ન હતી.

હરિયાણા, છત્તીસગઢ અને તેલંગાણાની પેટા-ચૂંટણીઓ

આ બધા રાજ્યો ઉપરાંત હરિયાણા, તેલંગાણા અને છત્તીસગઢમાં એક-એક બેઠક માટે મતદાન થયું હતું. હરિયાણાની સોનીપત બેઠક પર પેટાચૂંટણી યોજાઇ હતી અને મતદાન 68 ટકા થયું હતું, જ્યારે છત્તીસગઢની ગોરેલા પેન્ડ્રા મારવાહિ બેઠક પર પેટા ચૂંટણી માટે 77.25 ટકા મતદાન થયું હતું. તેલંગાણાની સિદ્દિપેટ બેઠક પર 82.60 ટકા મતદાન નોંધાયું છે.