
ઈસ્લામાબાદ,
નાણાંકીય સંકટના કારણે દેવાળુ ફુંકવાના આરે આવી ગયેલા પાકિસ્તાનની કંગાળ હાલતની અસર વાઘા બોર્ડર પર પણ જોવા મળી રહી છે. વાઘા અટારી બોર્ડર પર પાકિસ્તાન સરહદે કોઈ સેરેમની જોવા પણ આવતુ નથી અને પાકીસ્તાની રેન્જર માત્ર એકલા અટુલા વજ ફરકાવવાની ફરજ પડી રહી છે.
ભારત-પાકિસ્તાનને જોડતી વાઘા બોર્ડર પર દરરોજ સાંજે પરેડ યોજાતી હોય છે. ભારતની સીમાને વાઘા અને પાકિસ્તાની સીમાને અટારી બોર્ડરનું નામ આપવામાં આવ્યું છે. પરેડ દરમ્યાન બંને દેશોના નાગરિકો સેંકડોની સંખ્યામાં હાજર રહીને પોતપોતાના સૈન્ય જવાનોનો જોશ વધારતા હોય છે પરંતુ નાણાકીય રીતે કંગાળ બની ગયેલા પાકિસ્તાનમાં લોકો હવે આ પરેડમાં આવવાનું પણ ટાળવા લાગ્યા છે.
મોંઘવારીથી લોકો ત્રસ્ત હોવાથી પૈસા બચાવવા માટે બોર્ડર પર આવવાનું અને સૈન્ય જવાનોના જોશ વધારવાનું બંધ કરી દીધું છે. આ સંજોગોમાં ફલેગ હોસ્ટીંગ સેરેમનીમાં પાકિસ્તાની જંગમાં કોઈ લોકો નજરે ચડતા નથી અને પાકિસ્તાની જવાનો એકલા અટુલા વજ ફરકાવીને સેરેમની પુરી કરી નાંખે છે.
ફલેગ હોસ્ટીંગ સેરેમનીમાં ભારત તરફથી બીએસએફના જવાનો અને પાકિસ્તાન તરફથી રેન્જર સામેલ થતા હોય છે. પાકિસ્તાને આ સેરેમનીમાં સામેલ થતા લોકો માટે ૧૦ હજારની ક્ષમતાનું પેવેલિયન પણ બનાવ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી માંડ ૧૫૦૦ જેટલા લોકો જ આવે છે. ઓછી સંખ્યાને કારણે પાકિસ્તાની રેન્જર્સના મનોબળ પર પણ અસર થઈ રહી છે.
ભારતીય છાવણીમાંથી હજારોની સંખ્યામાં ઉપસ્થિત દર્શકોનો પ્રચંડ જોશ સંભળાય છે જયારે પાકિસ્તાની મોરચે ખાસ અવાજ જ નથી આવતો. ભારતીય છાવણીમાં ૨૫ હજાર લોકો બેસી શકે તેવું પેવેલિયન બનાવવામાં આવ્યું છે અને દરરોજ હજારો લોકો તેમાં સામેલ થાય છે. ભારતીય સૈન્યના જોશ અને મનોબળ વધારતા નારા સામે પાકિસ્તાન બાજુનો અવાજ જ દબાઈ જતો હોય તેવું સૂત્ર ઉપસી રહ્યું છે.