સુરતને મળી ગિફ્ટ : દિલ્હી, કોલકત્તા અને બેંગ્લોરની ફ્લાઈટ શરૂ

સુરત,

સુરત એરપોર્ટને ચાર ચાંદ લાગ્યા છે. કેમ કે, સુરતમાં ખાનગી એરલાઇન્સ કંપની દ્વારા દિલ્હી, કોલકત્તા અને બેંગ્લોરની ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. ખાનગી એરલાઇન્સ કંપનીના ઉદ્ઘાટન સમારોહમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે. આવામાં વધારે ઇન્ટરનેશનલ ફ્લાઈટ પણ સુરત એરપોર્ટથી શરૂ કરવામાં આવશે અને એટલા માટે જ એરપોર્ટના એક્સપાન્શનની કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, ડાયમંડ બુર્સ સુરતને વધુ ઇન્ટરનેશનલ ફ્લાઈટ અપાવશે.

સુરતથી દિલ્હી, બેંગલોર અને કોલકાતાની એર એશિયા દ્વારા નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. સુરત શહેર ખૂબ ઝડપથી વિકાસ કરતું શહેર છે. કોરોના પહેલા સુરત એરપોર્ટ પર ૫૪ ફ્લાઈટ આવતી હતી. કોરોનાના મહામારી પછી કેટલીક એરલાઇન્સ બંધ થઈ ગઈ છે અને ફ્લાઈટો ઘટી છે, પરંતુ દર મહિને એવરેજ એક લાખ લોકો મુસાફરી કરે છે.

સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આ ત્રણ ફ્લાઈટોનો વધારો થવાથી લોકોની અનુકૂળતા વધશે. ભવિષ્યમાં પણ એર એશિયાએ વધુ ફ્લાઈટ્સ આપવા માટે જણાવ્યું છે. મને વિશ્ર્વાસ છે કે સુરત શહેરની આ ફ્લાઈટોના કારણે સુખાકારી વધશે અને તેમના બિઝનેસમાં વધારો થશે. આવનારી એરલાઇન્સને પણ ફાયદો થશે.

મહત્ત્વની વાત છે કે, એક સમયે સુરત એરપોર્ટ પર ૭૨ સીટની એક ફ્લાઈટ આવતી હતી. ત્યાર બાદ ૫૪ ફ્લાઈટ રોજની આવતી થઈ હતી. આવામાં આવનારા સમયમાં ૭૨થી વધુ ફલાઈટ્સ સુરતથી શરૂ થાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું હોવાની વાત પણ સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવી હતી. મહત્ત્વની વાત છે કે, સુરત એરપોર્ટ પર ટર્મિનલ પણ મોટા બનાવવામાં આવી રહ્યા છે અને બે મહિનામાં આ કામ પણ પૂરું થઈ જશે, તેવું પણ સી.આર. પાટીલે જણાવ્યું હતું.