ઝાલોદ થી મુવાડા જતા રોડ ઉપર પ્રેમ સંબંધમાં એક ઈસમે ભોરીયા વડે મારમારી ઈજાઓ કરતાં ફરિયાદ

દાહોદ,

છોકરી સાથેના પ્રેમ સંબંધના મામલે ઝાલોદથી મુવાડા તરફ જતાં રોડ ઉપર એચ.ડી.એફસી બેન્કની સામેની દુકાન પર આવેલા ગામના જ એક ઈસમે તેના હાથમાં પહેરેલ ભોરીયા વડે માથામાં મારમારી તથા ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનું જાણવા મળ્યું છે.

નાનસલાઈ ગામના ઉમરીમાળ ફળિયામાં રહેતા અજીતભાઈ ભાવસીંગભાઈ ડામોર ગઈકાલે સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે ઝાલોદથી મુવાડા તરફ જતાં રોડ ઉપર એચ.ડી.એફ.સી બેન્કની સામે આવેલી તેમની દુકાન પર હાજર હતા. તે દરમ્યાન નાનસલાઈ ગામના વચલા ફળિયામાં રહેતા મનુભાઈ વાલસીંગભાઈ ડામોર અજીતભાઈ ડામોરની દુકાને આવ્યો હતો અને અજીતભાઈ ડામોરને બેફામ ગાળો બોલી તુ મારી છોકરી સાથે કેમ પ્રેમ સંબંધ રાખે છે ? તેમ કહી તેના હાથમાં પહેરેલ ભોરીયા વડે અજીતભાઈ ડામોરને માથામાં મારમારી તથા શરીરે ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી તથા હવે પછી મારી છોકરી સામે નજર કરીશ તો તને જાનથી મારી નાંખીશ કહી ધાકધમકીઓ આપી હતી.

આ સંબંધે 20 વર્ષીય ઈજાગ્રસ્ત અજીતભાઈ ભાવસીંગભાઈ ડામોરે તેના જ ગામના વચલા ફળિયામાં રહેતા મનુભાઈ વાલસીંગભાઈ ડામોર વિરૂધ્ધ ઝાલો પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપિકો કલમ 323, 504, 506(2) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.