- દર ચોમાસામાં આ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં રેતીનો જથ્થો ધરાવે છે.
- રેતીના જથ્થા ઉપર કોન્ટ્રાકટરો તથા લીઝ ધારકોના કાળોડોળો.
- એકજ પાસ ઉપર અવારનવાર થતી ગેરકાયદેસર રેતીની હેરાફેરી.
- પરમીટવિના ઓવરલોડેડ વાહનોની અવરજવરથી લોકો પરેશાન.
- માજી. સરપંચે ઓવરલોડેડ વાહનો અટકાવતા પોલીસે ધમકાવ્યાનો આક્ષેપ.
- રાત-દિવસ ગેરકાયદેસર રેતી ભરીને પસાર થતાં ટ્રેકટર, ટ્રક, ડમ્પર વાહનો.
- અગાઉ તંત્રમાં રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવતા ઉચ્ચસ્તરે અરજી.
ગોધરા,
પંચમહાલ જિલ્લાના સીમલિયા ગામે આવેલી ગોમાં નદીના પટ માંથી થતું રેતીનું ગેરકાયદેસર ખનન અટકાવવા માજી સરપંચ દ્વારા મુખ્યમંત્રી ને કરાઈ રજૂઆત છે. જેમાં જણાવેલ છે કે એક ગાડીના પાસ પર બે-ત્રણ મોટી ટ્રકો ભરવામાં આવીને બેફામ ચોરી કરાઈ રહી છે. તો કયારેક વગર પરમીટના ભારવાહક વાહનોના કારણે જમીન, ખેતી પર્યાવરણ, રસ્તાઓને નુકશાન પહોંચાડયું હોય કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સીમલીયા ગામના માજી સરપંચ ભગવાનસિંહ ઠાકોર દ્વારા મુખ્યમંત્રી તથા સ્થાનિક જીલ્લા તંત્રને કરવામાં આવેલી રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે સીમલીયા, પાદેડી ગોમા નદીમાંથી રેતીની ચોરી બેફામ રીતે થાય છે. એક ગાડીની પાસ ઉપર બે ત્રણ મોટી મોટી ટ્રકો ભરી રેતી ચોરાય છે . બધી જ ટ્રકો ઓવર લોડ ભરેલી હોય છે. જેના કારણે સીમલીયા પાદેડીનો રસ્તો પણ તોડી નાખેલ છે. માજી સરપંચ દ્રારા લેખિતમંા વધુમાં જણાવ્યું હતું કે આ લીઝનો કોન્ટ્રાકટર માથાભારે છે મારી ઘણી જ લાગવગ છે તમારાથી થાય તે કરી લો અને લીજની પરમીટવાળી જગ્યાએ રેતી નથી છતાં આખી નદીમાંથી રેતી બેફામ રીતે ભરે છે. માજી સરપંચ દ્રારા ત્રણ દિવસ પેહલા ગામના આઠ દસ આગેવાનો સાથે ઓવર લોડ ગાડીઓ સીમલીયા સ્ટેન્ડ ઉપર અટકાવવામાં આવી હતી ત્યારે આ લીજ ના કોન્ટ્રાકટરે દામાવાવ પોલીસ સ્ટેશનમાં ફોન કરતાં ની સાથે જ જમાદાર આવીને માજી સરપંચ અને ગામના આગેવાનો ને ધમકાવવા લાગ્યા હતા.અને જમાદારે લીઝ ધારક નો પક્ષ લેતા જણાવ્યું કે રેતીની ગાડીઓ રોકવી નહી નહીતો ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરીશ તેવું જમાદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આથી આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ધોધંબા તાલુકામાંથી પસાર થતી ગોમા નદીના પટમાં વિશાળ પ્રમાણમાં રેતીનો જથ્થો ધરાવે છે. તેમાંય સીમલીયા વિસ્તારમાં અન્ય વિસ્તારો કરતાં જથ્થો દરચોમાસામાં એકત્રિત વધુ થાય છે. અગાઉ કોરોના કારણે ઠપ્પ બનેલા બાંધકામ ક્ષેત્રેમાં હવે વરસાદની વિદાય સાથે ધીરેધીરેગોધરા સહિતના વિસ્તારોમાં મકાનોના નિર્માણ થઈ રહયા હોવાથી રેતીની માંગ વધી ગઈ છે. જેના કારણે કોન્ટ્રાકટરોનો કાળોડોળો આ સીમલીયા વિસ્તારમાં મંડાયો છે. અહીં વિપુલ પ્રમાણમાં રેતી હોવાની સાથે તંત્રની કોઈપણ જાતની બેરોકટોક હોવાને લીધે કોન્ટ્રાકટરોને લીઝધારકોને ગેરકાયદેસર રેતી ખનન કરવાનો મોકળું મેદાન મળી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં અગાઉની તુલનામાં રેતી માટે આવનજાવન કરતા વાહનો વધીને કોઈપણ જાતના તંત્રના ડર વિના એક પાસ ઉપર અનેકવાર વાહનો ભરીને પસાર થઈ રહયા છે. કયારેક પરમીટ વગર મોટા ડમ્પર અને ટ્રકોનો સમાવેશ થાય છે. વળી આ વિસ્તારની રેતી ગુણવત્તા યુકત હોવાના કારણે અમદાવાદ, નડીઆદ, વડોદરા જેવાં શહેરોમાં મોકલવામાં આવે છે. રાત દિવસ સતત વાહનોની અવરજવરના કારણે તેમાંય ઓવરલોડેક ટ્રકોને કારણે સીમલીયા પાદેડીનો રસ્તાને નુકશાન થાય છે. આ અંગે અનેકવાર વાહન ચાલકોને જણાવવા છતાં નિષ્કાળજી દાખવવામાં આવી રહી છે. સીમલીયા વિસ્તારમાં ગેરકાયદેસર ગેરકાયદેસર રેતીના ખનન અને રોયલ્ટીની ચોરી અંગે ખાણ અને ખનિજ વિભાગને રજુઆત કરવા છતાં કોઈપણ પગલાં લેવામાં ન આવતાં છેવટે માજી સરપંચે ગાંધીનગર મુખ્યમંત્રીને રજુઆત કરીને ન્યાયની માંગ કરી છે.
વગર પરમીટના ઓવરલોડેડ વાહનો રોકવાની ચિમકી…..
ગોમા નદીના તટ ઉપર આવેલ સીમલીયા વિસ્તારોમાંથી બેફામપણે રેતીની ચોરી કરીને વગર પરમીટના વાહનો મારફતે હેરાફેરી થઈ રહી હોવા અંંગે કલેકટર તથા સંબંધીત વિભાગોમાં પણ ભૂતકાળમાં રજુઆત કરીને નિયંત્રણ રાખવા સાથે ઓવર લોડેડ વાહનો ઉપર પ્રતિબંધ મૂકવા માંગ કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા ઉદાસીનતા સેવાઈને હજુપણ બેરોકટોકપણે ઓવરલોડેડ અને પરમીટ વિના વાહનો પસાર થઈને ફળદ્રુપ જમીન તથા પાણીના સ્ત્રોત રસ્તાઓ અને ખેતી પર્યાવરણને નુકશાન પહોંચાડી રહયા છે. આથી માજી સરપંચ દ્વારા મુખ્યમંત્રીને કરાયેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, જો ઓવરલોડેડ ગાડીઓ પાસ પરમીટ વગર આ રસ્તે આવશે તો અમે રોકીશું તેવી ચિમકી ઉચ્ચારી છે.