
સુરત,
પ્રેમ પ્રકરણમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. વાંસદાની સગીરા સાથે મહુવાના ૨૭ વર્ષે યુવકનો પ્રેમ સંબંધ હતો. કિશોરી સગીર વયની હોવાથી પિતાએ લગ્નની ના પાડતા યુવકે સગીરાના ઘરે જ પોતાની ઉપર જલનશીલ પ્રવાહી છાંટી સળગી આપઘાત કરી લીધો હતો. યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સગીરાના પિતાએ યુવાનને બચાવવાનો પ્રયાસ કરતા સગીરાના પિતા પણ દાઝી જતા તેમનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
વાંસદાની ૧૬ વર્ષીય સગીર વયની તરુણી સાથે મહુવા તાલુકાના આંગલધારા ગામમાં ૨૭ વર્ષીય રિતેશ ઠાકોરભાઈ પટેલનો પ્રેમ સંબંધ હતો. યુવાન તરુણીને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. તરુણી સગીર વયની હોવાથી પરિવારે યુવાન સાથે લગ્ન કરવાના ઇન્કાર કર્યો હતો. તરુણી હાલ ધોરણ ૧૧ માં અભ્યાસ કરે છે. તરુણીએ પણ પરિવારને કારણે લગ્નનો ઇન્કાર કરી રિતેશને કહ્યું કે, મારે ભણવું છે.
તેથી ૨૨ ફેબ્રુઆરીના રોજ રિતેશ તરુણીના ઘરે ગયો હતો અને પરિવારને તરુણી સાથે લગ્ન કરવાની વાત કરી હતી. પરિવારે તરુની સગીર વયની હોવાથી લગ્નનો ઇન્કાર કરતા રોષે ભરાયેલા યુવકે શરીરે ડીઝલ છાંટી સળગી આપઘાત કરી લીધો હતો. તરુણીના પિતાએ યુવકનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તરુણીના પિતા પણ ગંભીર રીતે દાઝી ગયા હતા. જ્યારે યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પરંતું દાઝી ગયેલા સગીરાના પિતાને તાત્કાલિક સારવાર હોસ્પિટલમાં ખસેડાયા હતા. આજરોજ ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. આમ, એક પ્રેમ પ્રકરણમાં બે લોકોના મોત નિપજતા બંને પરિવારમાં શોક ફેલાઈ ગયો છે. બીજી બાજુ સમગ્ર ઘટનાને લઇ વાંસદા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.