ચીન ભારત સાથેના તેના સંબંધોને મહત્વ આપે છે

બીજીંગ,

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ચીનના વિદેશ મંત્રી કિન ગેંગની સંભવિત બેઠક પહેલા બેઇજિંગે કહ્યું કે, તે ભારત સાથેના તેના સંબંધોને મહત્વ આપે છે. બંને દેશો વચ્ચે મજબૂત સંબંધ બંને દેશો અને તેમના લોકોના હિતમાં છે. જી-૨૦ મીટિંગમાં ભાગ લેવા માટે ભારત આવી રહેલા ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન જયશંકરને મળી શકે છે.

કિન ગેંગની ભારતની આ મુલાકાતને સંબંધોમાં સુધારાવાદી પગલું ગણાવતા હોંગકોંગના અખબાર સાઉથ ચાઈના મોનગ પોસ્ટે કહ્યું કે, ગયા વર્ષે ચીનના વિદેશ મંત્રીનું પદ સંભાળ્યા બાદ કિનની આ પ્રથમ ભારત મુલાકાત છે. આ સાથે જયશંકર સાથે આ તેમની પ્રથમ મુલાકાત હશે.

પૂર્વી લદ્દાખના ભારત અને ચાઈના વચ્ચેના તણાવને ઉકેલવા માટે ઉચ્ચ સ્તરીય સૈન્ય વાટાઘાટોના ૧૭મા રાઉન્ડને યાનમાં રાખીને બંને દેશોના વિદેશ મંત્રીઓની આ બેઠક ખૂબ મહત્વની છે. જ્યારે જયશંકર સાથે કિનની મુલાકાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે ચીન ભારત સાથે તેના સંબંધોને મહત્વ આપે છે.

તેમણે કહ્યું કે ચીન અને ભારત બંને પ્રાચીન સંસ્કૃતિ છે અને બંનેની વસ્તી એક અબજથી વધુ છે. અમે પડોશીઓ છીએ અને બંને ઉભરતી અર્થવ્યવસ્થાઓ છીએ. ચીન અને ભારત વચ્ચેના મજબૂત સંબંધો બંને દેશો અને તેમના લોકોના હિતમાં છે. માઓએ કિન ગેંગની જયશંકર સાથેની મુલાકાતની પુષ્ટિ કરી નથી પરંતુ કહ્યું છે કે કિનની ભારત મુલાકાત અંગેની માહિતી સમયસર જાહેર કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે મે ૨૦૨૦માં પૂર્વી લદ્દાખમાં થયેલી સેનાના તણાવના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી. આ મડાગાંઠને ઉકેલવા માટે બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય સૈન્ય વાટાઘાટોના ૧૭ રાઉન્ડ થયા છે. ભારત હંમેશા કહેતું આવ્યું છે કે સરહદી વિસ્તારોમાં શાંતિ સ્થાપિત ન થાય ત્યાં સુધી ચીન સાથે તેના સંબંધો સામાન્ય નહીં થઈ શકે.