
- ટ્રાફિક ભંગના દરરોજ ૧૦૦ થી વધુ કેસ કરી દરરોજનો એક લાખથી રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે.
રાજકોટ,
રાજકોટ શહેરમાં ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા ૮ દિવસથી સતત મેગા ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. દરરોજ શહેરના અલગ અલગ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી રહી છે. વાહન ચાલકોને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ મોટી સંખ્યામાં વાહનો ડીટેઇન પણ કરવામાં આવી રહ્યા છે.
રાજકોટ ટ્રાફિક વિભાગમાં પહેલી વાર ડીસીપીની નિમણુંક કરવામાં આવી છે.આઇપીએસ પૂજા યાદવને રાજકોટ ટ્રાફિક વિભાગના ડીસીપી તરીકે મૂકવામાં આવ્યા છે. રાજકોટવાસીઓને ટ્રાફિકના નિયમોનું કડકાઇથી પાલન કરાવવા માટે છેલ્લા કેટલાય દિવસથી ડીસીપી પૂજા યાદવની આગેવાનીમાં દરરોજ શહેરમાં અલગ અલગ ટ્રાફિક પોઇન્ટ પર મેગા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત શહેરમાં અલગ અલગ સંસ્થાઓ સાથે મળી ટ્રાફિક અંગે અવેરનેસના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે.
મોટા શહેરોમાં દરેક ટ્રાફિક પોઇન્ટ પર સીસીટીવી કેમેરા ટ્રાફિક વિભાગ દ્વારા લગાવવામાં આવ્યા છે. જેથી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને નંબર પ્લેટ પરથી ઓટોમેટીક ઓનલાઇન દંડ ફટકારવામાં આવે છે. વાહન ચાલકો આ ઓનલાઇન દંડથી બચવા માટે નંબર સાથે ચેડાં કરતા હોય છે. ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો પોતાના વાહનની નંબર પ્લેટ વાળી દેતા હોય છે અથવા નંબર પ્લેટમાંથી કોઈ આંકડો કાઢી નાખતા હોય છે. જેથી ઇ મેમોથી બચી શકાય. આવા વાહન ચાલકોને ટ્રાફિક વિભાગ દ્વારા મેગા ડ્રાઈવમાં ખાસ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને સ્થળ પર જ ઓનલાઇન દંડ ફટકારવામાં આવી રહ્યા છે.
છેલ્લા ૮ દિવસથી સતત શહેરના મુખ્ય ટ્રાફિક પોઇન્ટસ પર ટ્રાફિક વિભાગ દ્વારા મેગા ડ્રાઇવ યોજવામાં આવી રહી છે.જેમાં મુખ્યત્વે નંબર પ્લેટ સાથે ચેડાં કરનાર,કારમાં બ્લેકફિલ્મ લગાવનાર,હેલ્મેટ વગર વાહન ચલાવનાર ચાલકોને સ્થળ પર જ દંડ ફટકારવાની તથાં વાહનો ડિટેઇન કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. છેલ્લા ૮ દિવસથી સતત ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક ભંગના દરરોજ ૧૦૦ થી વધુ કેસ કરી દરરોજનો એક લાખથી રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. ટ્રાફિક વિભાગ દ્વારા દરરોજ ૧ લાખથી વધુનો દંડ વાહન ચાલકોને ફટકારવામાં આવી રહ્યો છે.