કમળાપુરની સીમમાં ત્રણ સંતાનના પિતાએ ૨૭ વર્ષની નવોઢા સાથે જીવન ટૂંકાવી લીધું!!

રાજકોટ,

જસદણના કમળાપુર ગામે એક વાડીમાંથી ત્રણ સંતાનના પિતા અને નવોઢાની ઝેરી દવા પીધેલી હાલતમાં લાશ મળી આવતા ભાડલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયો હતો.બન્ને મૃતકની લાશનો કબજો મેળવી પીએમ અર્થે જસદણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ,આ બનાવ શંકાસ્પદ જણાતા બન્ને મૃતકોનું પોસ્ટ મોર્ટમ કર્યા બાદ વિશેરા રાજકોટની ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા હતા.આ બન્ને વચ્ચે પ્રેમ સબંધ હોવાનું પોલીસમાંથી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ,જસદણના કમળાપુર ગામે મોકાભાઈ ગીગાભાઈની વાડીમાંથી એક પુરૂષ અને યુવતીની ઝેરી દવા પીધેલી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી.આ બનાવના પગલે ભાડલા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બન્ને મૃતકોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. જેમાં કમળાપુર ગામના રામભાઈ મોકાભાઈ રાઠોડ(ઉ.વ.૪૫) અને મૃતક મહિલા રીનાબેન વિપુલભાઈ કીહલા(ઉ.વ.૨૭)(મૂળ-કમળાપુર, હાલ-કંધેવાળીયા,તા-વિંછીયા) હોવાનું જાણવા મળ્યું હતું.જેથી ભાડલા પોલીસે બન્નેની લાશનો કબજો મેળવી જસદણની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હાલ ભાડલા પોલીસે બન્ને મૃતક પરિવારજનોના નિવેદનોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બાબતે પરિણીતાના કાકા ધીરૂભાઈ લાખાભાઈ ગાબુના જણાવ્યા મુજબ બનાવ મોકાભાઈ ગીગાભાઈની વાડીએ બન્યો હતો.મને ટેલીફોનીક જાણ થઈ હતી કે બન્ને જણાની દવા પીધેલી હાલતમાં વાડીએ લાશ પડી છે.હું આ વાત મળતા ત્યાં દોડી ગયો ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા.હું જ્યારે ત્યાં ગયો ત્યારે બન્ને જણાની દવા પીધેલી હાલતમાં વાડીએ લાશ પડી હતી.આ બન્નેએ ક્યાં કારણોસર આ પગલું ભરી લીધું તેનો અમને કોઈ ખ્યાલ નથી.

મૃતક કમળાપુર ગામના રહીશ રામભાઈ મોકાભાઈ રાઠોડ હોવાનું અને તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે.જ્યારે મૃતક રીનાબેન વિપુલભાઈ કીહલા મૂળ કમળાપુર ગામના હોવાનું અને તેમના એક મહિના પહેલા જ વિંછીયા તાલુકાના કંધેવાળીયા ગામે લગ્ન થયા હતા.તેમને કોઈ સંતાન પણ ન હતા.આ બન્નેની કમળાપુર ગામની વાડીમાંથી સજોડે ઝેરી દવા પીઈ આપઘાત કરેલી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા આ બનાવમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું પોલીસ દ્વારા અનુમાન લગાવાઈ રહ્યું છે.