નવીદિલ્હી,
જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના ઉપરાજ્યપાલને પત્ર લખ્યો છે. સુકેશે સીસીટીવી ફૂટેજ લીક થવા મામલે ઉપરાજ્યપાલને ફરીયાદ કરી છે. સુકેશે પત્રમાં કહ્યું કે, જેલના સીસીટીવી ફૂટેજ લીક થવું એ સુરક્ષાના ભંગ સમાન છે.
સુકેશે એવો પણ આરોપ લગાવ્યો છે કે. જેલમાંથી તેના સીસીટીવી ફૂટેજ આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ દીપક શર્મા અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ જય સિંહે લીક કર્યા હતા. પત્રમાં સુકેશ ચંદ્રશેખરે દીપક શર્મા અને જયસિંહ પર ધમકી અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે.
સુકેશે આરોપ લગાવ્યો છે કે, દીપક શર્મા અને જયસિંહે તેને ઇઓડબ્લ્યુ સમક્ષ આપેલું નિવેદન પાછું ખેંચવાની ધમકી આપી હતી. દીપક શર્મા અને જયસિંહે દરોડાના બીજા દિવસે તેને ફોન કર્યો અને કહ્યું કે, તેણે સત્યેન્દ્ર જૈનનો પર્દાફાશ કર્યો છે હવે તેનો વારો છે કે તે દુનિયાને જણાવે કે તમારી સાથે કેવું વર્તન કરવામાં આવે છે.
જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અનેક પત્રો લખ્યા છે. તેમણે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ નિવેદન આપ્યું છે. જેલમાંથી સાતમો પત્ર લખતી વખતે સુકેશે આમ આદમી પાર્ટીના નેતાઓ પર બાળકોના શિક્ષણના કલ્યાણ માટેના ફંડની હેરાફેરી કરવાનો આરોપ લગાવ્યો હતો. સુકેશે કહ્યું હતુ કે, કેજરીવાલજી તમે સૌથી મોટા ઠગ છો તમારી ગેંગની દરેક ચેટ અને રેકોર્ડિંગ મારી પાસે છે. જો તમે સંમત ન હોવ તો મારી સાથે લાઈ ડિટેક્ટર ટેસ્ટ માટે તૈયાર થઈ જાવો. બીજી તરફ સુકેશના આરોપો પર કેજરીવાલે તેની પાછળ ભાજપનો હાથ હોવાનું જણાવ્યું હતું. જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીના નેતાઓ પર સતત પ્રહાર કરી રહ્યો છે.