એકનાથ શિંદેના મતવિસ્તારમાં શિવસેનાના સબ ડિવિઝનના પ્રમુખની હત્યા કરવામાં આવી

મુંબઇ,

રાજ્યમાં દિવસેને દિવસે ગુનાખોરીની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ગુનાખોરો બેરોકટોક બનીને એક પછી એક ગુનાના કામોને અંજામ આપી રહ્યા છે. હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના મતવિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શિવસેનાના સબ ડિવિઝનના પ્રમુખની માથામાં તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. હત્યા કરાયેલ વ્યક્તિની ઓળખ રવિન્દ્ર પરદેશી (ઉંમર ૪૮) તરીકે થઈ છે. આ ઘટના મંગળવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ બની હતી.

આ ઘટનાથી વિસ્તારમાં તણાવનો માહોલ છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગેંગે તેમના વિવાદને કારણે પરદેશી પર હુમલો કરીને તેમની હત્યા કરી હતી રવિન્દ્ર પરદેશીને તાજેતરમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સબ-ડિવિઝન ચીફ તરીકે નિયુક્ત કર્યા હતા. તેમજ તેમને થાણેના જાંબલી નાકા ખાતે શિવસેનાના સબ ડિવિઝન ચીફની જવાબદારી સોંપવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, રવિન્દ્ર પરદેશીનો થાણેના મુખ્ય બજારમાં કટલરીનો વ્યવસાય હતો. પરદેશી પોતાનું કામ પતાવીને ઘરે જઈ રહ્યો હતો. આ સમયે કારમાંથી આવેલા બે હુમલાખોરોએ તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. કેટલાક નાગરિકોએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, પણ માથાના ભાગે ગંભીર ઇજાઓએ કારણે સારવાર પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું. આંતરિક ઝઘડાને કારણે તેની હત્યા થઈ હોવાનું અનુમાન છે. દરમિયાન, તેમના સમર્થકો મોટી સંખ્યામાં હોસ્પિટલ પરિસરમાં ઉમટી પડ્યા હતા.