- ’ના ખાઈશ ના ખાવા દઈશ’ના નારા પર હંમેશા આશ્ર્ચર્ય થાય છે. મને લાગે છે કે આ વાત કદાચ માત્ર બીફ વિશે કહેવામાં આવી હતી.’
મુંબઇ,
દિલ્હીના નાયબ મુખ્યમત્રી મનીષ સિસોદીયાની સામે ચાલી રહેલી સીબીઆઇ તપાસ વચ્ચે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ભાજપ પર કટાક્ષ કર્યો છે. તેમણે એવા નેતોઓની યાદી ટ્વિટ પર શેર કરી છે જેમના પર એક સમયે ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો અને આજે તેઓ ભાજપમાં છે. એટલું જ નહીં આમાંથી કેટલાક કેન્દ્રીય મંત્રી છે તો કેટલાક કોઈ રાજ્યના મુખ્યમંત્રી છે. ટ્વિટર પર યાદી જારી કરતા શશિ થરૂરે લખ્યું હતું કે, ’આની ચર્ચા થઈ રહી છે, તેથી મારી પાસે જે આવ્યું તેને શેર કરી રહ્યો છું.
શશિ થરૂરે જે યાદી શેર કરી છે તેમાં રાજ્યસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેનું નામ છે. આ સિવાય કર્ણાટકના પૂર્વ સીએમ યેદિયુરપ્પા અને બંગાળમાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીનું નામ સામેલ છે. એટલું જ નહીં આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા, લોક્સભા સાંસદ ભાવના ગવલી, શિવસેના નેતા યશવંત જાધવ, ધારાસભ્ય યામિની જાધવ અને ધારાસભ્ય પ્રતાપ સરનાઈક સામેલ છે. આ યાદીના શીર્ષકમાં લખ્યું છે કે, શું કાયદા સમક્ષ આ સમાનતા છે?
ઉલ્લેખનીય છે કે, ભાજપમાં જોડાતા પહેલા, મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષ નામની પાર્ટી ચલાવતા નારાયણ રાણે પર ૩૦૦ કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ રેકેટ ચલાવવાનો આરોપ હતો. ૨૦૧૬માં ઈડીએ રાણે પર અવિધ્ન જૂથ સાથે મળીને ૩૦૦ કરોડ રૂપિયાની મની લોન્ડરિંગનો આરોપ મૂક્યો હતો. જોકે, ૨૦૧૭માં તેમણે કોંગ્રેસ છોડીને પોતાની પાર્ટી બનાવી હતી. ત્યારબાદ ૨૦૧૯માં રાણેએ તેમની પાર્ટીનું ભાજપમાં વિલિનીકરણ કર્યું અને ભગવા પાર્ટીનો ભાગ બની ગયા હતા.
થરૂર દ્વારા શેર કરવામાં આવેલી આ યાદીમાં કહેવામાં આવ્યું છે કે બંગાળમાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી પણ નારદા કૌભાંડમાં સામેલ છે. ત્યારે તે TMC માં હતા પરંતુ તેઓ થોડા વર્ષો પહેલા જ BJP માં જોડાયા હતા. એટલું જ નહીં ભાજપે જ આસામના સીએમ હિમંત બિસ્વા સરમા પર પાણી પુરવઠા કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. મહારાષ્ટ્રમાં ભૂતપૂર્વ સાંસદ ભાવના ગવલી હવે એકનાથ શિંદે જૂથનો ભાગ છે, જે ભાજપ સાથે સરકાર ચલાવી રહ્યા છે. પરંતુ તેમને પણ ED દ્વારા ૫ વખત સમન્સ જારી કરવામાં આવ્યા હતા. બીએસ યેદિયુરપ્પા પર હાઉસિંગ પ્રોજેક્ટમાં લાંચ લેવાનો પણ આરોપ લાગ્યો હતો.