- ખુલ્લેઆમ દારૂની પોટલીઓ પીને દારૂડિયા ફેંક્તા દેખાયા, ભીડ વધે ત્યારે ૧૦૮ પણ ન નીકળી શકે.
અમદાવાદ,
બીમાર વ્યક્તિ સારવાર લેવા હોસ્પિટલ જાય. એમાં પણ સારી સારવાર માટે અમદાવાદની અસારવા ખાતે આવેલી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ જાય, પરંતુ આ હોસ્પિટલમાં જાય એ પહેલાં દારૂબંધીને તમાચા મારતાં ચોંકાવનારાં દૃશ્યો રોડ પર જ જોવા મળે. દર્દી હોસ્પિટલમાં પ્રવેશે એ પહેલાં જ તેને સિવિલ હોસ્પિટલના ગેટ આગળ લાઈન લગાવીને દારૂ પીતા દારૂડિયા દેખાય.
દારૂની પોટલીઓમાંથી ખુલ્લેઆમ મદિરાપાન કરતા દારૂડિયા પછી ગમે ત્યાં પોટલીઓ ફેંકી દે છે. આ સ્થિતિ ક્યારેક એટલી હદે વકરી જાય છે કે સિવિલ હોસ્પિટલમાં ઈમર્જન્સી સેવા ૧૦૮ને પણ અંદર જતાં મુશ્કેલીઓ પડી જાય છે. આ બધું પોલીસની નજરમાં ન હોય એ મોટો સવાલ છે, કેમ કે જ્યાં ખુલ્લેઆમ દારૂ પીવાય છે એ સ્થળ ડીસીપીની ઓફિસથી માંડ એકાદ કિમીના અંતરે આવેલું છે. ત્યારે સ્થાનિક પોલીસ-ઈન્સ્પેક્ટર કે શહેરના જાંબાઝ પોલીસને આ બધું દેખાતું નથી.
રાજ્યમાં દારૂબંધી છે છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને સેવન થઈ રહ્યું છે. દારૂના વેચાણ સામે પોલીસ આંખ આડા કાન કરી રહી છે અથવા તો પોલીસની રહેમ નજર હેઠળ દારૂનો વેપાર થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. આ વાત વીડિયોમાં દેખાતા દૃશ્ય પરથી સ્પષ્ટ થાય છે, જ્યાં અસારવામાં સિવિલ હોસ્પિટલના ગેટની સામે જાહેરમાં દારૂનું વેચાણ પણ થાય છે અને લોકો જાહેરમાં દારૂ પી રહ્યા છે.
શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ભોગીલાલની જૂની ચાલી સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગના દરવાજાની સામે આવેલી છે. આ દરવાજાથી માત્ર રોડ ક્રોસ કરીને જઈએ ત્યાં દેશી દારૂનો અડ્ડો આવેલો છે. આ અડ્ડા પર ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે, જેને ખરીદી અનેક લોકો ખુલ્લેઆમ જાહેરમાં પી રહ્યા છે, જોકે મળતી માહિતી મુજબ, આ દારૂનો વેપાર એક મહિલાના નામથી કરવામાં આવી રહ્યો છે.વીડિયોમાં દેખાય છે તે મુજબ એક યુવક બેઠેલો દેખાય છે, જેની પાસેથી દેશી દારૂની થેલી લોકો લઈ રહ્યા છે. આ જ દારૂની થેલીઓ લઈને લોકો ત્યાં અથવા તો ચાલીની બહાર જાહેરમાં જઈને દારૂ પી રહ્યા છે. દારૂ વેચનાર યુવકને કે પછી દારૂ પીનાર વ્યક્તિને કોઈનો ડર ના હોય તેમ ખુલ્લેઆમ દારૂબંધીના કાયદાને પડકારતા હોય તેમ કરી રહ્યા છે.
શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ કે ઝોન-૪ ડીસીપીની જાણ બહાર આ પ્રકારે દારૂનો વેપાર થઈ રહ્યો હોય એવું માનવામાં આવતું નથી, કારણ કે દારૂના અડ્ડાથી ૧૦૦ મીટરના અંતે પોલીસચોકી આવેલી છે, જ્યારે ૧.૫ કિમીના અંતરે શાહીબાગ પોલીસ સ્ટેશન અને ઝોન-૪ ડીસીપીની કચેરી પણ આવી છે. સ્થાનિક પોલીસ, ડી સ્ટાફ અને ઝોન-૪ ડીસીપીની એલસીબી સ્કવોડ દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવે છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવાના આવતી નથી.