ગાંધીનગર,
વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ સંગઠનમાં બદલાવનો એક મોટા દોરનો પ્રારંભ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીને છેલ્લા એક મહિનામાં ૯ જેટલા જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખોને બદલી નાખ્યા છે. જો જિલ્લા વાર વાત કરવામાં આવે તો બનાસકાંઠા, દ્વારકા, ખેડા, વડોદરા જિલ્લો, ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ અને મહેસાણા શહેર પ્રમુખોના રાજીનામાં લેવામાં આવ્યા છે. આ જિલ્લા અને શહેર પ્રમુખોના સ્થાને હવે નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી રહી છે.
ભારતીય જનતા પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ રાજીનામાં પાછળ મહત્વના કોઈ કારણ હોય તો બે પ્રકારના કારણો જોવા મળી રહેલા છે. પહેલું કારણ ભારતીય જનતા પાર્ટીમાં એક વ્યક્તિ એક હોદ્દોનો નિયમ છે. આ નિયમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સંગઠનને અમરેલી જિલ્લા પ્રમુખ કૌશિક વેકરીયા ધારાસભ્ય બનતા તેમનું જિલ્લા પ્રમુખ તરીકે રાજીનામું લીધું તે જ રીતે સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ ધારાસભ્ય બનતા તેમનું રાજીનામું લેવામાં આવેલું તો તે જ રીતે ખેડા જિલ્લા પ્રમુખ અમૂલ ડેરીમાં હોદ્દેદાર બનતા તેમનું પણ રાજીનામું લેવામાં આવેલ તો બીજું કારણ એ છે કે, વિધાનસભાની ચૂંટણી દરમિયાન અમુક જિલ્લા પ્રમુખો દ્વારા પક્ષ વિરોધની કામગીરી કરવાનું પણ સૂત્રો જણાવી રહેલા છે અને તે કારણોસર અમુક જિલ્લા અને શહેર પ્રમુખોના રાજીનામાં લેવામાં આવ્યા છે.
દ્વારકા જિલ્લા પ્રમુખની નાદુરસ્ત તબિયતના કારણે તેમને પ્રદેશ અધ્યક્ષ આર પાટીલને જવાબદારીમાંથી મુક્ત કરવાની રજૂઆત કરી હતી. તો બનાસકાંઠા જિલ્લા પ્રમુખે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ધાર્યા પ્રમાણે પરિણામ ન આપવાના કારણે પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલને રાજીનામું આપી દીધું હતું. તો તે જ રીતે વાત કરીએ તો ભાવનગર જિલ્લા પ્રમુખ અને બોટાદ જિલ્લા પ્રમુખે પણ જિલ્લામાં વિધાનસભા ચૂંટણીમાં સારી રીતે પરિણામ ન આપતા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને રાજીનામાં આપી દીધા છે. જ્યારે ભાવનગર શહેર પ્રમુખના ધર્મ પત્ની ધારાસભ્ય બનતા એક પરિવાર એક હોદ્દોના નિયમના આધારે તેમણે પણ રાજીનામું પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને સુપરત કરેલું છે. એ જ રીતે વડોદરા જિલ્લા પ્રમુખ પણ રાજીનામું આપી દીધું છે એક વ્યક્તિ એક હોદ્દો અંતર્ગત વડોદરા શહેરના મેયર ધારાસભ્ય બનતા તેમનું પણ રાજીનામું લઈ લેવામાં આવેલું છે. જ્યારે રાજકોટ શહેરના ડેપ્યુટી મેયર પણ ધારાસભ્ય બનતા રાજીનામુ લઈ લેવામાં આવેલ છે. હજુ પણ કેટલાક જિલ્લા અને શહેરોના પ્રમુખ બદલાઈ શકે છે.
વિધાનસભા ચૂંટણીમાં આ જિલ્લા અને શહેર પ્રમુખોની ટિકિટ આપવામાં આવેલી હતી અને તે વર્તમાન સમયમાં ધારાસભ્ય બની ગયેલા છે તો તે જ રીતે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મુખ્ય સંગઠનના જુદા જુદા મોરચાના પ્રમુખો પણ ધારાસભ્ય બની ગયા છે. તો આગામી દિવસોમાં તેમના સ્થાને પણ નવી નિમણૂક કરવામાં આવશે તો પ્રદેશ મંત્રી તરીકે મહેશ ક્સવાલા પર ધારાસભ્ય બની જતા તેમના સ્થાને પણ નવી નિમણૂક કરાય તેવી શક્યતાઓ લાગી રહી છે.