બ્રિટનમાં ફળ-શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા પિઝા ટામેટા વગર મળશે !

This image has an empty alt attribute; its file name is pizha.png

લંડન,

બ્રિટનમાં મોંઘવારી કમર તોડી રહી છે. ફળ અને શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. મોંઘવારીથી યુકેની હાલત એટલી કથળી ગઈ છે માર્કેટમાં ટામેટાની અછત સર્જાઈ છે. માર્કેટમાં શોધવાથી પણ ટામેટા નથી મળી રહ્યા. હવે હોટેલ અને રેસ્ટોરન્ટમાં ટામેટા વગરના જ પાસ્તા અને પિઝા બનાવવામાં આવી રહ્યા છે. ફળો અને શાકભાજીઓના ઉંચા ભાવ માટે સરકારે હવામાનને જવાબદાર ઠેરવ્યુ છે. આ મોંઘવારી બાદ અનેક રેસ્ટોરન્ટ હંમેશા માટે બંધ પણ થઈ શકે છે.

યુકે સરકારે જણાવ્યુ કે, દક્ષિણ યુરોપ અને ઉત્તર આફ્રિકામાં ખરાબ હવામાનને કારણે ટામેટાના પાકને ભારે નુક્સાન થયું છે જેના કારણે તેના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ઈટાલિયન ક્યુલિનરી કન્સોટયમના પ્રમુખ કાર્મેલો કાર્નેવાલે જણાવ્યું હતું કે, છેલ્લા બે સપ્તાહમાં દેશમાં ટામેટાના ભાવ ત્રણ ગણા વધી ગયા છે. સ્થિતિ એવી છે કે, હવે હોટલ અને રેસ્ટોરન્ટમાં ટામેટાને બદલે સફેદ ચટણીનો ઉપયોગ થઈ રહ્યો છે.

શેફ એસોસિએશનના જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં યુકેમાં ટામેટાના ભાવમાં ચાર ગણો વધારો થયો છે. પહેલા તેની કિંમત પાંચ પાઉન્ડ એટલે કે ૪૯૦ રૂપિયા પ્રતિ બોક્સ હતી જે હવે વધીને ૨૦ પાઉન્ડ એટલે કે ૧૯૮૦ રૂપિયા થઈ ગઈ છે. એફઆઈસી યુકેના ચેરમેન એન્ઝો ઓલિવરીએ જણાવ્યું કે, બ્રેક્ઝિટ મુદ્દાઓને પગલે વધતા ખર્ચને કારણે યુકેમાં ઈટાલિયન રેસ્ટોરન્ટ્સ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. સ્થિતિ એટલી ખરાબ છે કે અહીં કેટલીક રેસ્ટોરન્ટ બંધ પણ થઈ શકે છે.

બ્રિટન શિયાળાની ૠતુમાં લગભગ ૯૫% ટામેટાંની આયાત કરે છે. મોટાભાગના ટામેટાં સ્પેન અને ઉત્તર આફ્રિકન દેશોમાંથી બ્રિટન આવે છે. હવે દક્ષિણ સ્પેન અસામાન્ય ઠંડા હવામાનનો સામનો કરી રહ્યું છે. એટલું જ નહીં મોરોક્કોમાં પૂરના કારણે પાકને મોટા પાયે નુક્સાન થયું છે.