સિસોદિયાની ધરપકડનો શ્રેય લેવો કે વિરોધ કરવો ! કોગ્રેસ હવે કન્ફ્યુઝ !

નવીદિલ્હી,

એક્સાઇઝ પોલિસીમાં કથિત ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરાયેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પાંચ દિવસ માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની કસ્ટડીમાં મોકલી દીધા છે. તે જ સમયે, સિસોદિયાની ધરપકડ પર દિલ્હીમાં કોંગ્રેસ કન્ફ્યુઝ દેખાઈ રહી છે. એક તરફ કોંગ્રેસનું દિલ્હી યુનિટ પોતાની પીઠ થપથપાવી રહ્યું છે કે તેણે લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખીને માહિતી આપી, ત્યારે જ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી. આ અમારી જીત છે. તે જ સમયે, પાર્ટીના અન્ય દિગ્ગજ નેતાઓ આનાથી અલગ નિવેદન આપી રહ્યા છે.

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને સિસોદિયાનો કેસ સંભાળતા વકીલ અભિષેક મનુ સિંઘવીએ ટ્વીટ કર્યું કે ‘સિસોદિયાની ધરપકડ દુર્ભાગ્યપૂર્ણ છે’. પછી ટ્વીટ ડિલીટ થઈ જાય છે. પાર્ટીના મીડિયા ઈન્ચાર્જ જયરામે ટ્વીટ કર્યું કે સિંઘવીએ વકીલ તરીકે કામ કર્યું, કોંગ્રેસ નેતા તરીકે નહીં, આ પાર્ટીનું સ્ટેન્ડ નથી. પરંતુ મોડી સાંજ સુધીમાં વિપક્ષી પાર્ટીઓના નેતાઓ, કોંગ્રેસના સાથી પક્ષો, હેમંત સોરેન અને નીતિશ કુમારે નિશાન સાધતા તપાસ એજન્સીઓના દુરુપયોગની વાત કરી હતી. તે જ સમયે, ઉદ્ધવ જૂથ, એસપી, ટીએમસીના નેતાઓ પણ સિસોદિયાની ધરપકડ પર મોદી સરકાર વિરુદ્ધ નિવેદનો આપતા જોવા મળ્યા હતા. આ પછી કોંગ્રેસ પણ દબાણમાં આવી ગઈ અને જયરામ રમેશે દિલ્હી કોંગ્રેસથી અલગ લાઇન લીધી.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કોઈપણ વ્યક્તિ અથવા મુદ્દાનો ઉલ્લેખ કર્યા વિના ટ્વિટ કર્યું, “કોંગ્રેસનું માનવું છે કે ઇડી સીબીઆઇ અને આવકવેરા વિભાગ જેવી સંસ્થાઓ મોદી સરકાર હેઠળ રાજકીય બદલો અને ઉત્પીડનના હથિયાર બની ગઈ છે. ‘ તેમણે દાવો કર્યો, ‘આ સંસ્થાઓએ વ્યાવસાયિક હોવાનો તેમનો સ્વભાવ ગુમાવી દીધો છે. તેમની પ્રતિષ્ઠાને ખતમ કરવા માટે વિપક્ષી નેતાઓને પસંદગીપૂર્વક નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે કથિત દારૂ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરાયેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને કોર્ટે પાંચ દિવસ માટે સીબીઆઇ કસ્ટડીમાં મોકલી દીધા છે. જ્યારે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચૌધરી અનિલ કુમારે સિસોદિયાની ધરપકડનું સ્વાગત કર્યું હતું.