ભાવનગર,
ભાવનગરના ચિત્રા જીઆઇડીસી માં આવેલ હીરાની ડાય બનાવવાના કારખાનામાં કામ કરતા દંપતીએ કારખાનાની ઓફિસમાં રાખેલ રૂ.૨ લાખ રોકડાની ચોરી કરી કારખાનાના માલિકે ઉપાડ પેટે આપેલા રૂ ૨.૧૭ લાખ પણ નહીં ચૂકવી ખોટા વાયદાઓ કરતા કારખાનેદારે દંપતી વિરુદ્ધ બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ ધંધુકા તાલુકાના ઉમરગઢ ગામના વતની અને ભાવનગરના ગણેશનગર – ૧ માં રહેતા અને ચિત્રા જીઆઇડીસીમાં હીરાની ડાય બનાવવાનું કારખાનું ચલાવતા નિલેશભાઈ બાબુભાઈ સુતરીયા (ઉં.વ. ૪૮) એ બોરતળાવ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેમના કારખાનામાં કામ કરતા અને કારખાનામાં જ રહેતા પરપ્રાંતીય રાજકુમાર પ્રસાદ અને તેના પત્ની અંજુબેન ગુપ્તાએ ગત તા. ૨૭/૧ના રાત્રીના સમયે તેની કારખાનામાં આવેલ ઓફિસના ટેબલમાં રાખેલ રોકડા રૂપિયા બે લાખ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.છોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા નિલેશભાઈએ તેમના મોબાઈલ ઉપર સંપર્ક કર્યો હતો જોકે બંનેનો ફોન બંધ આવ્યો હતો.
રોકડા રૂપિયા બે લાખની ચોરી કરનારા દંપતીને અગાઉ નિલેશભાઈએ ઉપાડ પેટે રૂ? ૨.૬૭ લાખ આપ્યા હતા, જેમાંથી રૂ.૫૦ હજાર પગારમાં જમા કરાવતા બાકીના ૨.૧૭ લાખ રૂપિયા બાકી હોય તેમને ફોન કરી ઉઘરાણી કરતા આ દંપતી વાયદાઓ કરતા હોય આખરે નિલેશભાઈએ દંપતી વિરુદ્ધ રૂપિયા બે લાખ રોકડાની ચોરી કર્યાની તેમજ ઉપાડપેટે બાકી નીકળતા રૂ ૨.૧૭ લાખ નહીં ચૂકવી ખોટા વાયદાઓ કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે તપાસ હાથ ધરી હતી.