સુરતમાં ૨ વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા, બાળાને વિધર્મી યુવકે ઉઠાવી જઈ પિશાચી કૃત્ય

સુરત,

સુરતમાં બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને ગત ૨૫મી ફેબ્રુઆરીના રોજ સુરત સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ત્યાં સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. સુરતના સચિન ખાતે આવેલા કપલેથા ગામમાં બે વર્ષની બાળકી સાથે નજીકમાં રહેતા ૨૩ વર્ષીય વિધર્મી યુવક દ્વારા દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી છે. મોડી સાંજે યુવક બાળકીને રમાડવાનું કહી લઈ ગયો હતો. બાદમાં મોડી રાત્રિએ પરત ન આવતાં પરિવારે શોધખોળ કરી હતી. દરમિયાન ગામમાં ખૂલી જગ્યામાં બાળકીની લાશ મળી આવી હતી. એને લઇ સચિન પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ગણતરીના કલાકોમાં દુષ્કર્મ બાદ હત્યા કરનાર નરાધમ યુવકે ઝડપી લીધો હતો.

સુરત શહેરને ફરી એક વખત લજવતી ઘટના સામે આવી છે. સુરતના છેવાડે આવેલા સચિન વિસ્તારમાંથી બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી દેવાઈ હોવાની ચકચારિત ઘટના બનવા પામી છે. સચિનના કપલેથા ગામમાં રહેતી બે વર્ષની બાળકીને એ ગામમાં પાડોશમાં રહેતા ૨૩ વર્ષીય વિધર્મી યુવકે દુષ્કર્મ કરી હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે. નજીકમાં રહેતા ઈસ્માઈલ યુસુફ ભોગ બનનારના ઘરે અવારનવાર આવતો જતો રહેતો હતો. ત્યારે પડોશમાં રહેતો યુવક દરરોજની જેમ સોમવારે સાંજે બાળકીને રમાડવા માટે લઈ ગયા ગયો હતો. મોડી રાત સુધી બાળકી ઘરે પરત નહીં આવતાં પરિવારજનોએ તપાસ કરતાં પાડોશી અને બાળકી સાંજથી ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું.

બાળકી ન મળતાં પરિવારજનોએ તાત્કાલિક સચિન પોલીસનો સંપર્ક કર્યો હતો. મામલો બે વર્ષની માસૂમ બાળકીનો હોવાથી પોલીસે પણ એકપણ મિનિટનો સમય બગાડ્યા વગર તેને ગંભીરતાથી લીધો હતો અને પોલીસની એક ટીમ બાળકીના ઘરે ગઇ અને બીજી ટીમ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા માંડી હતી. દરમિયાન પોલીસે બાળકીની શોધખોળ કરતા કપલેથા ગામ નજીકથી લાશ મળી આવી હતી.

કપલેથા ગામમાં આવેલા એક બંધ મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાંથી બાળકીની લાશ મળી આવી હતી. શહેરના છેવાડે આવેલા સચિન કપલેથા નજીકથી મોડી રાત્રે બાળકીની લાશ મળી આવતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. બાદમાં તપાસ કરી હતી તો જાણવા મળ્યું હતું કે બાળકીની સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા સેવાઈ રહી હતી. એ બાદ તેની હત્યા કરાવી હોવાનું જાણવા મળ્યું હતું.

બાળકીની લાશ મળતાં પોલીસ ચોમેર તપાસમાં જોડાઈ ગઈ હતી. પોલીસે તેનાં માતા-પિતાની પૂછપરછ કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે બાળકીને છેલ્લે પાડોશમાં રહેતા ઈસ્માઈલ ઉર્ફે યુસુફ રમાડવા માટે લઈ ગયો હતો, ત્યાર બાદ તે પરત લાવ્યો ન હતો. પોલીસે યુસુફને શોધવા પ્રયાસ કર્યો ત્યારે તે પણ મળ્યો નહોતો. એને લઇ પોલીસે જુદી જુદી ટીમો બનાવી તેને પકડવા રાત્રે જ કામે લગાવી હતી. પોલીસ ટીમની મહેનત બાદ નરાધમ યુસુફને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધી હતો. હાલ પોલીસ યુસુફની અટક કરીને બાળકી સાથે દુષ્કર્મ કર્યું છે કે નહીં અને હત્યા કરી છે કે નહીં એ અંગે પૂછપરછ કરી રહી છે.