સત્તામાં આવ્યા બાદ આપના એક ડઝન નેતાઓ જેલની હવા ખાઈ ચુક્યા છે

નવીદિલ્હી,

અણ્ણા હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં સક્રિય રહેલા અરવિંદ કેજરીવાલે રાજકારણમાં આવવાનો નિર્ણય લીધો હતો. ૨ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ આમ આદમી પાર્ટીની(આપ) રચના કરવામાં આવી હતી. તે પછી, કેજરીવાલના નેતૃત્વમાં, ૨૦૧૩ માં, તેઓ દિલ્હી વિધાનસભાના ચૂંટણી મેદાનમાં કૂદી પડ્યા. ત્યારબાદ કેજરીવાલે ૨૮ સીટો જીતીને બધાને ચોંકાવી દીધા હતા. આ ચૂંટણીમાં ૮ બેઠકો જીતનાર કોંગ્રેસે આમ આદમી પાર્ટીને બિનશરતી સમર્થન આપીને સરકાર બનાવવાનો રસ્તો સાફ કરી દીધો હતો. કેજરીવાલ પહેલીવાર મુખ્યમંત્રી બન્યા છે. છછઁ નેતૃત્વનું કહેવું છે કે પક્ષ ભ્રષ્ટાચારના મામલામાં ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ પગલાં લે છે.માત્ર દસ વર્ષ પહેલા રાજકારણમાં પગપેસારો કરનાર આમ આદમી પાર્ટીએ બહુ ઝડપથી પોતાના સંગઠન માં વિસ્તાર કર્યો છે. બે રાજ્યોમાં સત્તા પણ બનાવી છે. તો સાથે પોતાના કૌભાંડો અને અને વિવાદોને કારણે ચર્ચામાં પણ રહી છે. અત્યાર સુધીમાં આપણા પાંચ મંત્રીઓ જુદાજુદા કારણોસર જેલ ભેગા થઇ ચુક્યા છે. ગતરોજ રવિવારે દિલ્હીના ડે. સીએમ મનીષ સિસોદીયાની પણ સીબીઆઈએ ધરપકડ કરી છે. દસ મહિના અગાઉ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની પણ મણિ લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય પણ આપણા અનેક મંત્રીઓ જેલની હવા ખાઈ ચુક્યા છે. જેમાં સંદીપ કુમાર, અસીમ અહેમદ ખાન, વિજય સિંઘલા, જીતેન્દ્ર તોમર, સોમનાથ ભરતી વિગેરે નો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, સીબીઆઈએ દિલ્હીમાં એક્સાઈઝ પોલિસી કૌભાંડના સંબંધમાં રવિવારે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. આ પહેલા લગભગ આઠ કલાક લાંબી પૂછપરછ થઈ હતી. આ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોમવારે દિલ્હીમાં આપ સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી. ઈડીએ જૈનની ૪.૮૧ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે જૈનના પરિવારના સભ્યો કેટલીક કંપનીઓ સાથે સંકળાયેલા હતા જેની પીએમએલએ હેઠળ તપાસ ચાલી રહી છે.

આમ આદમી પાર્ટીમાં મંત્રી રહી ચૂકેલા સંદીપ કુમાર ૨૦૧૬માં રેશન કાર્ડ બનાવવાના બહાને એક મહિલા સાથે રેપ કેસમાં ફસાયા છે. આ કેસમાં તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ ઘટનાની એક સીડી પણ સામે આવી છે. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. સંદીપ કુમાર ૨૦૧૫માં દિલ્હીની સુલતાનપુર મજરા વિધાનસભા બેઠક પરથી જીતીને ધારાસભ્ય બન્યા હતા.

વર્ષ ૨૦૧૫માં દિલ્હી સરકારમાં કાયદા મંત્રી જિતેન્દ્ર સિંહ તોમરની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર કાયદાની નકલી ડિગ્રી બનાવવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. પંજાબ સરકારમાં ભ્રષ્ટાચારના મામલામાં આરોગ્ય મંત્રી વિજય સિંગલાને જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમના પર આરોગ્ય વિભાગ સાથે સંબંધિત ટેન્ડરમાં એક ટકા કમિશન માંગવાનો આરોપ છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મંત્રી વિજય સિંગલાને હટાવી દીધા છે. આ પછી એન્ટી કરપ્શન બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. વર્ષ ૨૦૧૮માં ભ્રષ્ટાચારના મામલામાં દિલ્હી સરકારના મંત્રી આસીમ અહેમદ ખાનનું નામ પણ સામે આવ્યું હતું. ત્યારે સીએમ અરવિંદ કેજરીવાલે તેમના કેબિનેટ મંત્રી અસીમ અહેમદ ખાનને હટાવી દીધા હતા. અસીમ પર ૬ લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ હતો.

આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતી પણ સતત વિવાદોમાં રહ્યા છે. ૨૦૧૩માં પત્ની લિપિકા મિત્રાએ તેની વિરુદ્ધ દ્વારકા ઉત્તર પોલીસ સ્ટેશનમાં ઘરેલુ હિંસાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી. સોમનાથ દિલ્હીની માલવિયા નગર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ચૂંટણી જીત્યા બાદ સોમનાથને કાયદા, પ્રવાસન, વહીવટી સુધારા જેવા મંત્રાલયોની જવાબદારી મળી. ભારતીએ ૨૦૧૪માં રાજીનામું આપવું પડ્યું હતું. આ સિવાય ભારતી પર એમ્સમાં સ્ટાફ સાથે મારપીટ કરવાનો પણ આરોપ હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન સતત વિવાદોમાં રહે છે. ગયા વર્ષે, વક્ફ બોર્ડના કામકાજમાં ગેરરીતિના આરોપમાં એસીબી દ્વારા ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આપના ધારાસભ્ય પ્રકાશ જરવાલ વર્ષ ૨૦૧૭માં ૫૩ વર્ષની મહિલા સાથે દુષ્કર્મના આરોપમાં પકડાયા હતા.પોલીસે આ કેસમાં ધારાસભ્ય પ્રકાશ જરવાલની ધરપકડ કરી હતી. પ્રકાશ લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીની આબકારી નીતિના કથિત કૌભાંડના સંબંધમાં ગયા વર્ષે સીબીઆઇ દ્વારા આપના નેતા વિજય નાયરની ધરપકડ કરવામાં આવી હતી. આપના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન માર્ચ ૨૦૨૦ના દિલ્હી રમખાણોમાં મુખ્ય આરોપી છે. દિલ્હીની કર્કડૂમા કોર્ટે તાહિર હુસૈન સામે ગુનાહિત કાવતરું અને રમખાણો ભડકાવવા સહિત અન્ય કલમોમાં આરોપો ઘડ્યા હતા ફેબ્રુઆરી ૨૦૨૨ માં, આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ગીતા રાવતને લાંચ લેતા સીબીઆઇની ભ્રષ્ટાચાર વિરોધી શાખા દ્વારા રંગે હાથે ધરપકડ કરવામાં આવી હતી.