દાહોદ,
દાહોદ તાલુકાના નીમનળીયા ગામે એક ફોર વ્હીલર ગાડીને માર્ગ અકસ્માત સર્જાતા ફોર વ્હીલર ગાડીમાં સવાર 6 પૈકી 4 વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
દાહોદની ઝાયડસ મેડીકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી આશાબેન ધીરૂભાઈ રાઠોડ (રહે. સુરત) અભ્યાસ કરે છે. આશાબેનના પરિવારજનો શનિવાર અને રવિવારની રજા હોઈ દાહોદ ખાતે આશાબેનને મળવાની સાથે સાથે બે દિવસની રજા માણવા દાહોદ આવ્યાં હતાં અને ગરબાડા તાલુકામાં આવેલ બાવકા શિવ મંદિરે દર્શન કરવા એક ફોર વ્હીલર ગાડીમાં મહિલા સહિત પાંચ વ્યક્તિઓ સવાર થઈ બાવકા શિવ મંદિરે ગયાં હતાં. બાવકા શિવ મંદિરેથી પરત આવતી વેળાએ દાહોદ તાલુકાના નીમનળીયા ગામે ફોર વ્હીલર ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં ફોર વ્હીલર ગાડીને અકસ્માત નડ્યો હતો અને ગાડીમાં સવાર મહિલા સહિત 6 વ્યક્તિઓ પૈકી 4 વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે તમામ ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.