ફતેપુરા તાલુકામાં વહીવટદાર હસ્તકની ગ્રામ પંચાયતોમાં 15 માં નાણાપંચની ગ્રાન્ટનાં નાણાં હોવા છતાં ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે વહીવટદારો દ્વારા સેવાતી ઉદાસીનતા.!

  • ગ્રામ પંચાયતોમાં નિમવામાં આવેલ વહીવટદારો તથા તલાટી કમ- મંત્રી ઓની નિષ્ક્રિયતાથી ગ્રામ્ય વિસ્તારોના વિકાસ પ્રત્યે રોક લાગ્યો છે.
  • કેટલાક સરપંચો દ્વારા પક્ષા પક્ષીને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ અવરોધાય તે માની શકાય,પરંતુ તલાટી કમ-મંત્રી તથા વહીવટદારોને સરકારી નાણાથી ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ કરવા નડે છે કોણ?

ફતેપુરા,
ફતેપુરા તાલુકામાં આગાઉ 32 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવામાં આવી હતી. જ્યારે 50થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તથા વોર્ડ સભ્યોની ઉમેદવારી નોંધાવવા થનગનતા ઉમેદવારો સહિત પ્રજા વહેલી તકે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય તે તરફ મીટ માંડીને બેઠી છે. પરંતુ વહીવટી કારણોસર ચૂંટણી લંબાઈ રહી હોવાનું જાણવા મળે છે. જ્યારે પાંચ વર્ષનો જે-જે પંચાયતોનો કાર્યકાળ પૂરો થતાં તેમાં વહીવટદારો નિમવામાં આવ્યા છે અને આ ગ્રામ પંચાયતોના તલાટી કમ-મંત્રીની સાથે વહીવટ દારો દ્વારા ગ્રામ પંચાયતોની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ કેટલીક ગ્રામ પંચાયતોમાં વહીવટદારો નિમ્યા બાદ ગ્રામ્ય વિસ્તારોના વિકાસમાં ઓછપ આવી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. ત્યારે વહેલી તકે ગ્રામ પંચાયતોની ચૂંટણી થાય તેમ પ્રજા ઇચ્છી રહી છે.

ફતેપુરા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં 15માં નાણાપંચની ગ્રાન્ટ ના નાણાં ફાળવવામાં આવેલ છે. તે પૈકી જે-જે ગ્રામ પંચાયતોનો કાર્યકાળ પૂરો થતાં તેવી ગ્રામ પંચાયતોમાં વહીવટદારો નીમવામાં આવ્યા છે અને તલાટી કમ-મંત્રીની સાથે રહી વહીવટદારો દ્વારા ગ્રામ પંચાયતોનો વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. પરંતુ વહીવટદારો નિમવામાં આવ્યા છે, તે ગ્રામ પંચાયતો પૈકી કેટલીક ગ્રામ પંચાયતોમાં 15માં નાણાપંચની ગ્રાન્ટના નાણાં જમા હોવા છતાં કરવા પાત્ર કેટલાક વિકાસ કામો પ્રત્યે ધ્યાન આપવામાં નહીં આવતું હોવાનું જાણવા મળે છે. જોકે, ફતેપુરા તાલુકામાં કોઈ એવું ગામ નથી કે તે ગામમાં સો ટકા ગ્રામ્ય વિકાસ થઈ ચૂક્યો હોય અને તે ગામમાં વિકાસની જરૂરત ન હોય તેવું આઝાદીના દાયકાઓ વિત્યા બાદ પણ જોવા મળતું નથી ! ત્યારે જે તે ગ્રામ પંચાયતમાં આવેલી સરકારી ગ્રાન્ટના નાણાંનો સદ્ઉપયોગ કેમ કરવામાં આવતો નથી? તે એક યક્ષ પ્રશ્ર્ન છે. જે-તે ગ્રામ પંચાયતોમાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવેલ છે અને તેવી ગ્રામ પંચાયતોમાં નાણાપંચની ગ્રાન્ટના નાણાં જમા હોવા છતાં તે નાણાં દ્વારા કયા કારણોસર વિકાસ કામો કરવામાં આવતા નથી ? તેની જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત રાજ્ય સરકારના જવાબદારો દ્વારા મનોમંથન કરવાની જરૂરત જણાઈ રહી છે.
ફતેપુરા તાલુકામાં જે ગ્રામ પંચાયતોમાં વહીવટદારો તથા તલાટી કમ મંત્રીઓ દ્વારા ગ્રામ પંચાયતોનો વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. તે પૈકી કેટલી ગ્રામ પંચાયતોને બાદ કરતા મોટાભાગની ગ્રામ પંચાયતોમાં 15માં નાણાપંચની ગ્રાન્ટના લાખો રૂપિયા ગ્રામ પંચાયતોના નામે જમા હોવાનું જાણવા મળે છે અને આ નાણાં દ્વારા ગ્રામ પંચાયતમાં આવતા વિસ્તારમાં ભૌગોલિક વિકાસ થાય તેવું પ્રજા ઇચ્છતી હોય છે. પરંતુ કેટલીક પંચાયતોમાં વહીવટદારોની નિમણૂક બાદ ગ્રામ વિકાસના કાર્યો ઉપર રોક લાગ્યો હોવાનું જોવા અને જાણવા મળે છે. ત્યારે કદાચ ગ્રામ પંચાયતોમાં સરપંચોના પદ રદ કરી સરપંચો વિના સરકારી કર્મચારીઓને ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ કરવાની જવાબદારી સોંપી દેવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ કેવી રીતે થઈ શકે?તેવો પ્રશ્ર્ન હાલની સ્થિતિને જોતા ઉદભવે તે સ્વાભાવિક બાબત છે.

અહીંયા જણાવવું જરૂરી છે કે, ગ્રામ પંચાયતના સરપંચ જેવા પદ ઉપર બિરાજતા ગામના એક પ્રથમ નાગરિક કે જે કોઈપણ પક્ષનો વ્યક્તિ હોતો નથી અને સરપંચ દ્વારા પોતાની ગ્રામ પંચાયતમાં નિષ્પક્ષપણે વહીવટ કરવાનો હોય છે. તેમ છતાં કેટલાક સરપંચો પક્ષા પક્ષીમાં પડી જતા ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ રૂંધાતો હોય છે અને માની લો કે પક્ષા પક્ષીમાં પડેલા સરપંચ દ્વારા પોતાના માનીતા પક્ષ અને તે પક્ષને માનતી પ્રજાનો વિકાસ આસાનીથી થાય. જ્યારે વિપક્ષમાં માનતા લોકોનો વિકાસ ટલ્લે ચડે તેવું માની શકાય. પરંતુ તલાટી કમ-મંત્રી તથા સરકાર દ્વારા નિમવામાં આવેલ વહીવટદારો સરકારી કર્મચારીઓ છે. અને સરકારી કર્મચારીઓને પક્ષા પક્ષી ન હોય. તેમ છતાં કેટલીક ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રી તથા વહીવટદારો બંને તરફ સાચા સાબિત થવાના ઇરાદે પોતાને મળેલી સત્તાનો દુરૂપયોગ કરે તે કેટલા અંશે વ્યાજબી છે?
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, જે-જે ગ્રામ પંચાયતોમાં વહીવટદારોને એકાદ વર્ષથી ગ્રામ પંચાયતોનો વહીવટ સોપવામાં આવેલ છે. તેવી પંચાયતોમાં વહીવટદારોને વહીવટ મળ્યા બાદ ક્યાં અને કયા-કયા વિકાસ કામો કરવામાં આવ્યા છે ? તેમજ જે ગ્રામ પંચાયતોમાં ગ્રાન્ટના નાણા જમા હોવા છતાં વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા નથી. તેની તાલુકા-જિલ્લા સહિત રાજ્ય સરકારના જવાબદારો દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો વહીવટદારો સહિત તલાટી કમ-મંત્રીઓને પોતાને મળેલી સત્તાનો કેટલો સદ્ઉપયોગ કર્યો છે અને કેટલો દૂર ઉપયોગ થયો ? તેનો કયાશ આસાનીથી કાઢી શકાય તેમ છે. સાથે એ પણ તપાસનો વિષય છે કે, ગ્રામ પંચાયતની ગ્રાન્ટ હોવા છતાં કયા કારણોસર તે સરકારી ગ્રાન્ટના નાણાનો ગ્રામ્ય વિકાસના કામ માટે ઉપયોગ નહીં કરી સરકારી વહીવટી તંત્ર માટે શું સાબિત કરવા માંગે છે?તે પણ એક સવાલ છે.