ઇસ્લામાબાદ,
એશિયા કપના નામની ચર્ચા ઠરવાનુ નામ નથી લઈ રહી. પાકિસ્તાનની ધરતી પર ટૂર્નામેન્ટનુ આયોજન સરકવાને લઈ પાકિસ્તાનમાં પાછળના કેટલાક મહિનાથી ખૂબ ચર્ચાઓ ગરમ છે. ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં રમવા જતી નથી. આ દરમિયાન હવે એશિયા કપને લઈ પાકિસ્તાનમાં બાબર આઝમના કૌટુંબિક ભાઈનુ નિવેદન સામે આવ્યુ છે. આ કૌટુંબિક ભાઈ કામરાન અકમલ છે, જે હાલમાં પીસીબીની પસંદગી સમિતિનો સભ્ય છે.
બીસીસીઆઈ ના સેક્રેટરી જય શાહે પહેલા જ કહ્યુ હતુ કે, ભારતીય ટીમ પાકિસ્તાનમાં એશિયા કપ રમવા માટે નહીં જાય. બસ આ વાત પર જ પાકિસ્તાનમાં હંગામો મચી ગયો છે. પાકિસ્તાનમાંથી નિવેદનબાજી સામે આવતી જ રહે છે. પાકિસ્તાનનુ કહેવુ છે કે, એશિયા કપમાં ભારતીય ટીમ ના આવે તો વન ડે વિશ્ર્વકપમાં ભારત પ્રવાસે પાકિસ્તાની ટીમ નહીં જાય. જે નિર્ણય વાસ્તવિક્તામાં લેવો તેમના માટે મુશ્કેલ છે.
કામરાન અકમલ પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમનો કૌટુંબિક ભાઈ છે. જે હાલમાં પીસીબી દ્વારા તાજેતરમાં નિમવામાં આવેલી નવી પસંદગી સમિતિનો સભ્ય છે. કામરાન કહે છે કે, ભારત જો પાકિસ્તાનમાં રમવા માટે ના આવે તો પાકિસ્તાને પણ હવે વનડે વિશ્ર્વકપ માટે ભારત નહીં જવુ જોઈએ.
અકમલે નાદિર શાહના પોડકાસ્ટ પર કહ્યું, “પાકિસ્તાને એશિયા કપમાં ચોક્કસપણે રમવું જોઈએ, પછી ભલે તે યુએઈમાં રમાય. પરંતુ જો ભારતીય ટીમ પાકિસ્તાન આવવા માંગતી નથી, તો આપણે તેમની સામે વર્લ્ડ કપની મેચ પણ ન રમવી જોઈએ. આપણે વર્લ્ડ કપમાં પણ ન જવું જોઈએ.” આગળ તેણે કહ્યું,”જોકે નિર્ણય આઇસીસી અને પીસીબીના હાથમાં છે અને અમારું પણ થોડું સન્માન છે. અમે વર્લ્ડ ચેમ્પિયન પણ રહ્યા છીએ. આ મુદ્દો બે ક્રિકેટ બોર્ડનો નથી. તે બે સરકારો વચ્ચે છે.”
આ મુદ્દા પર પાકિસ્તાનની સ્થિતી નિર્ણયને લઈ મુશ્કેલ છે, ત્યાં હવે પૂર્વ વિકેટકીપર કામરાન કહે છે ખોટો મુદ્દો લાંબો કર્યો છે. તેનુ કહેવુ છે કે મામલાને લઈ આટલી બધી ચર્ચા કરવાની જરુર નહોતી. રમતને રાજનીતિથી દૂર રાખવો જોઈએ. વળી તેણે કહ્યુ કે, છતાંય બંને દેશોની સરકારો આમાં સામેલ થઈ રહી છે. ભારતને મળી રહેલા સન્માન જેટલુ જ સન્માન પાકિસ્તાનને મળવુ જોઈએ એમ પણ કહ્યુ હતુ.