દાહોદમાં ચોરીના ત્રણ મોબાઇલ સાથે ઝડપાયેલો યાકુબ જુડવા રીઢો ગુનેગાર નીકળ્યો: 8 વર્ષોમાં જુદા જુદા જિલ્લાઓમાં 18 જેટલી ચોરીઓને અંજામ આપ્યાનું ઘસ્ફોટક

  • પંચમહાલ, ખેડા વડોદરા તેમજ દાહોદમાંથી ચોરીને અંજામ આપનાર ગુનેગાર તાજેતરમાં જેલમુક્ત થયો હતો.

દાહોદ,

દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલી હાર્ડવેરની દુકાનમાંથી ત્રણ મોબાઈલની ઉઠાતરી કરનાર મોબાઈલ ચોરને દાહોદ એ ડિવિઝન પોલીસે દાહોદ શહેરમાં વિશ્ર્વાસ પ્રોજેક્ટ હેઠળ લાગેલા નેત્રમ કેમેરાની મદદથી દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર ખાનગી બસમાં બેસી ગોધરા તરફ ભાગે તે પહેલા જ ચોરીના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો. ત્યારબાદ પોલીસે ઉપરોક્ત મોબાઈલ ચોરની ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરતા 2014 થી જ ચોરીના રવાડે ચડેલા આ મોબાઈલ ચોરે જુદા જુદા જિલ્લાઓમાં 18 જેટલી ચોરીઓને અંજામ આપી હાહાકાર મચાવ્યો હતો. તો બીજી તરફ તાજેતરમાં જ ચોરીના ગુનામાં જેલ મુક્ત થઈ બહાર આવેલા આ મોબાઈલ ચોરે દાહોદમાં આવી વધુ એક ચોરીની ઘટનાને અંજામ આપી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે તેને ઝડપી પુન: જેલ ભેગો કર્યો હતો.

દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલી નૂર હાડવેર નામક દુકાનમાં ગ્રાહકના સ્વાગમાં આવેલા ગઠીયા એ દુકાનદારની નજર ચૂકવી ત્રણ મોબાઈલ ચોરીને ભાગી ગયો હતો. જેની જાન દુકાનદારે દાહોદ એ ડિવિઝન પોલીસને કરતા સત્વરે એક્શનમાં આવેલી દાહોદ એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ.ના નિર્દેશનમાં હાર્ડવેરની દુકાનમાં લાગેલા કેમેરા તેમજ નેત્રમ સીસીટીવી કેમેરાની મદદથી ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. જેમાં આ મોબાઈલ ચોરનાર પંચમહાલ જિલ્લાના ગોધરાનો યાસીન ઉર્ફે મોટો જુડવો યાકુબ મીઠાભાઇ હોવાનું સામે આવ્યું હતું અને ખાનગી બસ મારફતે ગોધરા તરફ ભાગી છૂટ્યો હોવાનું પોલીસને ધ્યાને આવતા પોલીસે તાબડતોડ ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર હોટલ સતી તોરલ આગળ વોચ ગોઠવી ખાનગી બસમાંથી યાસીન ઉર્ફે મોટો જુડવો યાકુબ મીઠાભાઈને દબોચી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો.જ્યાં ઉપરોક્ત યાકુબ જુડવાની ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરતા ચોકાવનારી હકીકતો બહાર આવી હતી. જેમાં 2014 થી અત્યાર સુધીમાં પંચમહાલના ગોધરા લુણાવાડા ખેડા જિલ્લાના ઠાસરા તેમજ વડોદરા શહેરમાં આચરેલા જુદી જુદી 18 જેટલી ચોરીની ઘટનાઓને અંજામ આપી હોવાનું સામે આવ્યું હતું.

અત્રે ઉલ્લેખીએ છે કે, પંચમહાલ વડોદરા ખેડા જેવા જિલ્લાઓમાં ચોરીની ઘટનાઓને અંજામ આપનાર આ રીઢો ગુનેગાર યાસીન મોટો ઉર્ફે જુડવો યાકુબ મીઠાભાઇ તાજેતરમાં જેલ મુક્ત થઈ બહાર આવ્યો હતો, પરંતુ તેની ફિતરત પ્રમાણે ચોરીના ઇરાદે દાહોદ આવ્યો હતો અને હાર્ડવેર ની દુકાનમાં ચોરીની ઘટનામાં અંજામ અપાયો હતો અને પોલીસે એને દબોચી લીધો હતો.