સંજેલી તાલુકાના મોટા કાળીયા ગામમાં 100 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અપાઇ

સંજેલી,

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રત્યેક ગામના 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવવાના આહ્વાનને ખરા અર્થમા સાર્થક કરવા દાહોદ જિલ્લામાં એક અભિયાન સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા ગત રોજ સંજેલી તાલુકાના મોટા કાળીયા ગામમાં એક તાલીમ કાર્યક્રમ અંતર્ગત 100 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોને બાગાયતી પાકો અને આઇ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ વિવિધ યોજનાલક્ષી માહિતી તથા જમીનને વધુ ફળદ્રુપ બનાવવા, પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો જેવા કે જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત વગેરે બનાવવા અને તેના ઉપયોગ કરવાની રીત તેમજ પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી થતા ફાયદા અને લાભ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને વધુમા વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય તે માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, દાહોદ દ્વારા જિલ્લામાં ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે. તેમાં ખેડૂતો પણ ઉત્સાહભેર ભાગ લઇ રહ્યાં છે. જે અંતર્ગત ગત તા. 24 ફેબ્રુઆરીના રોજ સંજેલી તાલુકાના મોટા કાળીયા ગામમાં પ્રાકૃતિક કૃષિ દ્વારા બાગાયતી ખેતી અંગે 100 ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી.

તાલીમમાં બાગાયત અધિકારી બી.એ. પરમાર તથા પી.ડી. ઠાકર દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી.