નવીદિલ્હી,
ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફેબ્રુઆરી ૨૦૨૦માં કોમી રમખાણોમાં તોડફોડ મચાવનારા આરોપીઓથી નુક્સાનની ભરપાઈ કરાવવાનો નિર્ણય લેવાયો છે. દિલ્હી સરકાર તરફથી રચાયેલી સમિતિ ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણ દાવા આયોગે દિલ્હી પોલીસ પાસે રમખાણોમાં તોડફોડ કરનારા ગુનેગારોની ઓળખ કરવા માટે હિંસાના તમામ વીડિયો પણ માગ્યા છે.
આયોગે દિલ્હી હાઈકોર્ટને પણ જણાવ્યું છે કે પીડિતોની અરજીઓના નિકાલની સાથે હવે આગામી પગલું સંપત્તિઓને નુક્સાન પહોંચાડનારા લોકો પાસેથી નુક્સાનની વસૂલી કરવાનું છે. આયોગના એક વરિષ્ઠ સભ્યએ કહ્યું કે રમખાણોમાં થયેલા મૃત્યુ, ઘાયલો અને સંપત્તિના નુક્સાન માટે વળતરની અરજીઓનો ઝડપથી નિકાલ લવાઈ રહ્યો છે. દિલ્હી પોલીસને રમખાણોના તમામ વીડિયો સબમિટ કરવા કહેવાયું છે. જેની મદદથી તોડફોડ કરનારા આરોપીઓની ઓળખ કરીને તેમની પાસેથી પીડિતોને ચૂકવાઈ રહેલું વળતર વસૂલી શકાય.
તેમણે કહ્યું કે આ એક લાંબી કવાયત હશે પણ અમને આશા છે કે અધિકારીઓ દ્વારા આ મામલે અમને પૂરેપૂરો સહયોગ મળશે. ઉલ્લેખનીય છે કે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સીએએ-એનઆરસીના સમર્થકો અને તેના વિરોધમાં દેખાવકારો વચ્ચે અથડામણ બાદ ફેબ્રુઆરી ૨૦૨૦માં કોમી રમખાણો સર્જાયા હતા. આ રમખાણોમાં આશરે ૫૩ લોકોએ જીવ ગુમાવ્યા અને ૫૮૦થી વધુ લોકો ઘવાયા હતા. અત્યાર સુધી ૨૬ કરોડથી વધુનું વળતર ચૂકવવામાં આવ્યું છે.