કેન્દ્ર સરકારે કુલ ૯૦૦ કરોડ રૂપિયા રોકડ અને ૮,૦૦૦ કરોડ રૂપિયાની અઘોષિત સંપત્તિ જપ્ત કરી

નવીદિલ્હી,

વર્ષ ૨૦૧૬માં ૮ નવેમ્બરના રોજ અચાનક જ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો બંધ કરી દેવામાં આવી હતી. આ ઘટનાને નોટબંદી નામ મળ્યું. હવે નાણા મંત્રાલયના અધિકારીઓ પાસેથી જાણકારી મળી છે કે નોટબંદી બાદ નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારે કુલ ૯૦૦ કરોડ રૂપિયા રોકડ અને ૮,૦૦૦ કરોડ રૂપિયાની અઘોષિત સંપત્તિ જપ્ત કરી છે. એટલું જ નહીં, નોટબંદી બાદ ઇનકમ ટેક્સ રિટર્ન ભરનારા લોકોની સંખ્યામાં ૨૫ ટકાનો જોરદાર વધારો પણ જોવા મળ્યો. તેનો ફાયદો સરકારને મળતા ટેક્સમાં પણ જોવા મળ્યો.

રિપોર્ટ મુજબ, નવેમ્બર ૨૦૧૬ અને માર્ચ ૨૦૧૭ વચ્ચે નોટબંદી બાદ ૯૦૦ કરોડ રૂપિયાની જપ્ત થઇ, જેમાં ૬૩૬ કરોડ રૂપિયાની રોકડ અને ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા ચલાવવા આવેલા તપાસ અને જપ્ત અભિયાનો દ્વારા લગભગ ૭,૯૬૧ કરોડ રૂપિયાની અઘોષિત આવક સામેલ છે. નાણાં મંત્રાલયના અધિકારીઓ મુજબ, નોટબંદીથી ન માત્ર કાળા ધનની જાણકારી મળી, પરંતુ તેનાથી ટેક્સ કલેક્શનમાં પણ વધારો થયો અને ટેક્સ બેઝનો વિસ્તાર થયો.

સત્તાવાર અધિકારીઓ મુજબ, નોટબંદીની કવાયત બાદ જ્યારે સરકારે ૮ નવેમ્બર ૨૦૧૬ની સાંજે અચાનક ૫૦૦ અને ૧૦૦૦ કિંમતની કરન્સી નોટો બંધ કરવાની જાહેરાત કરી તો ત્યારબાદ ટેક્સ કલેક્શનમાં ૧૮ ટકાની વૃદ્ધિ જોવા મળી, જે છેલ્લા ૭ નાણાકીય વર્ષોમાં સૌથી વધુ હતી. નાણાં મંત્રાલયના આંકડાઓ મુજબ, ડિમોનેટાઇઝેશનના સકારાત્મક પ્રભાવના કારણે દેશમાં કર અનુપાલનમાં વૃદ્ધિ થઇ કેમ કે વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન, વ્યક્તિગત આવક એડવાન્સ ટેક્સ કલેક્શનમાં ૨૩.૪ ટકાનો વધારો થયો, જ્યારે વર્ષ ૨૦૧૬-૧૭માં વ્યક્તિગત ઇનકમ સ્વ-મૂલ્યાંકન કરમાં ૨૯ ટકાની વૃદ્ધિ થઇ.

તેનાથી ખબર પડે છે કે, નોટબંદી ગેર કોર્પોરેટ અને વ્યક્તિગત કરદાતાઓના સ્વેચ્છિક ટેક્સ પેમેન્ટ પર મોટો પ્રભાવ પડ્યો, એ સિવાય વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન દાખલ કરવામાં આવેલા ઇનકમ રિટર્નમાં ૨૫ ટકાની વૃદ્ધિ હાંસલ કરવામાં આવી, જે છેલ્લા ૫ વર્ષોમાં હાંસલ કરવામાં આવેલો ઉચ્ચતમ દર હતો. વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન ૮૫.૫૧ લાખની તુલનામાં વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન નવા ITR ફાઇલ કરનારા લોકોની સંખ્યા લગભગ ૧.૦૭ કરોડ હતી. વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન કોર્પોરેટ કરદાતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલા રિટર્નની સંખ્યામાં ૧૭.૨ ટકાનો વધારો જોવા મળ્યો. તે વર્ષ ૨૦૧૬-૧૭માં ૩ ટકા અને વર્ષ ૨૦૧૫-૧૬માં ૩.૫ ટકાના વિકાસ દરથી ૫ ગણો વધારે હતો.