નવીદિલ્હી,
સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઇકોર્ટના એ આદેશને યોગ્ય ઠેરવ્યો છે જેમાં પલાનીસ્વામીને એઆઇએડીએમકેના વચગાળાના મહાસચિવ તરીકે ચાલુ રહેવાની મંજૂરી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પન્નીરસેલવમે મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ન્યાયમૂર્તિ દિનેશ માહેશ્ર્વરી અને ન્યાયમૂર્તિ ૠષિકેશ રોયની બેન્ચે ૧૨ જાન્યુઆરીએ આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે આજે આ કેસમાં ચુકાદો સંભળાવીને પન્નીરસેલવમ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી હતી. જુલાઇ, ૨૦૨૨ની સામાન્ય કાઉન્સિલની બેઠકમાં પક્ષના ઉપ નિયમોમાં કરવામાં આવેલા ફેરફારના સંબધમાં કરાયેલી દલીલોના આધારે આ ચુકાદો આપવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આજે ૨ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ તમિલનાડુ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે આપેલા ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી ચેન્નાઇમાં એઆઇએડીએમકેના હેડ કવાટર્સમાં મોટા પાયે ઉજવણી કરવામાં આવી હતી.