વડોદરા,
વડોદરાના નારાયણ વાડી પાસે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અટલાદર-પાદરા રોડ પર રીક્ષા-કાર વચ્ચે અકસ્માતમાં આખો પરિવાર હોમાયો. રીક્ષામાં સવાર એક જ પરિવારના ત્રણ બાળકો અને માતા-પિતાના કરુણ મોત નિપજ્યાં છે. ૩ લોકોના ઘટનાસ્થળે મોત તો ૨ના હોસ્પિટલ મોત થયા. પાદરાના લોલા ગામનો પરિવાર લગ્નમાં હાજરી આપી પાદરા જઈ રહ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, અટલાદર પાદરા રોડ નારાયણ વાડી પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં સવાર નાયક પરિવારને મોત ભરખી ગયું. મોડી રાતે રીક્ષા અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં એક જ પરિવારના ૫ લોકોના મોત નિપજ્યાં છે. એક જ પરિવારના માતાપિતા અને ત્રણ સંતાનો મોતને ભેટ્યા હતા. તમામના મૃતદેહો સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા.પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરિવાર પરત પાદરા જઈ રહ્યો હતો. ત્યારે પાદરા તરફથી આવતી કાર સાથે ટક્કર થઈ હતી. કાર અને રીક્ષા સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. નાયક પરિવાર પાદરાના લોલા ગામનો વતની હતો.
મૃતકોના નામ આ પ્રમાણે છે.અરવિંદ પૂનમ નાયક, ઉવ ૨૮,કાજલ અરવિંદ નાયક, ઉવ ૨૫,શિવાની અલ્પેશ નાયક, ઉવ ૧૨,ગણેશ અરવિંદ નાયક, ઉવ ૫,દ્રષ્ટિ અરવિંદ નાયક, ઉવ ૬ આ ઘટનાથી લોલા ગામમાં માતમ છવાયો છે. આ અકસ્માતમા ૮ વર્ષનો એક બાળક આયર્ન અરવિંદ નાયક બચી ગયા હતો. ઇજાગ્રસ્ત બાળક હાલ સારવાર હેઠળ છે. આ અકસ્માતને કારણે રીક્ષાને ભારે નુકશાન થયું હતું. આ ઘટનાને કારણે સ્થાનિક લોકો પણ એકઠા થઈ ગયા હતા.
ગઈકાલે જામનગરમાં સ્કૂલ બસ અને મનપાના વાન વચ્ચે અકસ્માત થયો હતો. બસમાં ૩૦ બાળકો હતા સવાર હતા. રાહતની વાત એ હતી કે આ અકસ્માતમાં કોઈ જામહાનિ થઈ ન હતી. આ પહેલા પણ જામનગરમાં ત્રણ દિવસમાં બે સ્કૂલ બસના અકસ્માતો સામે આવ્યા હતા. અગાઉ નરારા ટાપુ પ્રવાસે જઈ રહેલા સ્કૂલ બસ રસ્તા પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો અને બસમાં સવાર વિધાર્થી બાળકોને નાની મોટી ઇજાઓ થઈ હતી.
મહિસાગર જિલ્લામાં જાન લઇને લગ્નમાં જતો ટેમ્પો ખાઈમાં ખાબક્યો હતો. આ ઘટનામાં ટેમ્પોમાં જઈ રહેલા ૯ જાનૈયાઓના મોત થયા. જ્યારે જાનમાં જઈ રહેલા અન્ય ૨૨ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ૧૦૮ મદદ લઇ લુણાવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. એલસીબી અને એસઓજીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.