ગાંધીનગર,
ગુજરાત વિધાનસભામાં આજે નાણાંમંત્રીએ બજેટ રજુ કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે રાજ્યના વિકાસમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અગત્યની ભૂમિકા ભજવે છે રાજ્યમાં સતત શાંતિ, સલામતી , સુખાકારી અને સુરક્ષા જળવાયેલા રહે તેમજ વધારે સુદ્રઢ બને તે માટે ગૃહ વિભાગ માટે કુલ ૮૫૭૪ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. સુરક્ષા તથા સંકલિત પરિવહન નિયંત્રણ માટે વિશ્ર્વાસ પ્રોજેક્ટ અને દરેક સ્તરે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિનેત્ર પદ્ધતિ કાર્યરત છે. ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાયેલા રહે તે માટે પોલીસ તંત્રની કચેરીઓના નિર્માણ અને આધુનિકીકરણ માટે રૂપિયા ૨૫૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે પોલીસ જવાનો અને અધિકારીઓના આવાસ માટે ચાલુ વર્ષે રૂપિયા ૩૧૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.સાયબર ક્રાઇમને નાથવામાં ૧૫ જિલ્લામાં ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરવા રૂપિયા ૧૪ કરોડની જોગવાઈ બોમ્બ ડીટેકશન એન્ડ ડીસ્પોઝેબલ ક્સવોડ ટીમની કામગીરીની સાધન સામગ્રીની ખરીદી માટે રૂપિયા ૯ કરોડની જોગવાઈ ઇ-ગુજકોપની કામગીરી ઝડપી બનાવવા ટેમ્બલેટની ખરીદી કરવા રૂપિયા ૬ કરોડની ફાળવણી કરવામાં આવી છે. પોલીસ તંત્રની કચેરીઓના નિર્માણ અને આધુનિકીકરણ માટે રૂપિયા ૨૫૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નાગરિકોની સુરક્ષા, ભયમુક્ત વાતાવરણનું સર્જન, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવી એ રાજ્ય સરકારની ફરજ છે. આ માટે રાજ્યની પોલીસને અત્યાધુનિક શસ્ત્ર સરંજામ અને સાધન સામગ્રીથી સુસજ્જ કરવામાં આવેલા છે. નોંધનીય છે કે ગત વર્ષે ગૃહ વિભાગનું બજેટ રૂપિયા ૮૩૨૫ કરોડ હતું. જેમાં આ વર્ષે વધારો કરવામાં આવ્યો છે.
સુલભ, ઝડપી અને બિન ખર્ચાળ ન્યાય વ્યવસ્થા લોક્તંત્રના પાયામાં છે. ન્યાયાલયોની સંખ્યા વધારવા તેમજ ન્યાય વ્યવસ્થામાં નવી તકનિક સાથે ઝડપ લાવવા સરકાર કટિબદ્ધ છે. પ્રોસિક્યુશનની કામગીરીને અસરકારક અને કાર્યક્ષમ બનાવવા અદ્યતન ટેકનોલોજી અને આધુનિક માળખાગત સુવિધાઓ સરકારે ઊભી કરે છે. છેવાડાના માનવી સહિત સમાજના દરેક વર્ગની વ્યક્તિને સરળતાથી તથા પારદર્શી રીતે ન્યાય મળી શકે તે માટે આગામી વર્ષોમાં ૭૫ ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટ તથા ૨૫ સિનિયર સિવિલ જજની કોર્ટ સ્થાપવામાં આવશે. કાયદા વિભાગ માટે આ વર્ષે બજેટમાં કુલ ૨૦૧૪ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.