
દહેરાદૂન,
વિશ્ર્વ વિખ્યાત કેદારનાથ ધામ યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેદારનાથ પગપાળા માર્ગ પરથી બરફ હટાવવાનું કાર્ય શરૂ થઈ ગયુ છે. કેદારનાથ ધામથી લઈને લિનચોલી સુધી પગપાળા માર્ગ બરફથી ઢંકાયેલો છે. અમુક સ્થળો પર ગ્લેશિયર કાપીને પગપાળા માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અત્યારે લગભગ ૨૫ મજૂરો બરફ હટાવવાનું કામ કરી રહ્યા છે.

કેદારનાથ ધામની યાત્રા ૨૫ એપ્રિલે શરૂ થઈ રહી છે. આ યાત્રાની તૈયારીઓ ઝડપથી શરૂ થઈ ગઈ છે. કેદારનાથ ધામમાં જરૂરી સામગ્રીને એકઠી કરવા માટે સૌથી પહેલા કેદારનાથ પગપાળા માર્ગ પરથી બરફને કાપીને રસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે.

કેદારનાથ ધામથી લઈને લિનચોલી સાત કિલોમીટર સુધી સમગ્ર માર્ગ બરફથી ઢંકાયેલો છે. અમુક સ્થળોએ ગ્લેશિયર પણ બનેલા છે. દરમિયાન આ ગ્લેશિયરને કાપીને રસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. બરફને સાફ કર્યા બાદ જ્યાં-જ્યાં રસ્તાને નુક્સાન થયુ છે. ત્યાં પણ માર્ગનું સમારકામ કરવામાં આવશે.

જિલ્લા અધિકારીના જણાવ્યા અનુસાર યાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી ચૂકી છે. પગપાળા માર્ગ પરથી બરફ હટાવવાનું કાર્ય પણ શરૂ કરી દેવાયુ છે. યાત્રા સંબંધિત અધિકારીઓને સમયસર યાત્રા વ્યવસ્થાઓ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પગપાળા માર્ગ પર ઘણા બધા કાર્ય હજુ કરવાના બાકી છે. આ તમામ કાર્યોને યાત્રા પહેલા પૂરા કરી દેવામાં આવશે. તેમણે યાત્રા સંબંધિત અધિકારીઓને કડક આદેશ આપતા કહ્યુ કે યાત્રા તૈયારીઓમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.