રાજકોટની ૮ બેઠકની ચૂંટણીમાં ૧૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો, એક મતદાન મથક દીઠ સરેરાશ ૬૦ હજારનો થયો ખર્ચ

રાજકોટ,

રાજકોટ શહેર સહિત જિલ્લાની ૮ વિધાનસભા બેઠકમાં તાજેતરમાં થયેલી ચૂંટણી પાછળ સરકારી તંત્રને આશરે ૧૪ કરોડનો ખર્ચ થયો છે. મતદાન મથક ખાતે મતદારો માટે ઉભી કરવામાં આવેલી સુવિધા પાછળ ખર્ચની ચુકવણી કરવા માટે ચૂંટણી પંચ પાસેથી ગ્રાંટ માંગવામાં આવી છે. રાજકોટ શહેરમાં ૧૧૪૩ સહિત જિલ્લામાં ૨૨૬૪ મતદાન મથક છે તેમાં મતદાનના દિવસે મંડપ, પાણી, રેમ્પ, સ્ટાફ, વિડિયોગ્રાફી સહિતની સુવિધા ઉભી કરવામાં આવી હતી. બુથ ઉપર મતદારોને કોઈ અગવડતા ન પડે તે માટે એક બુથ દીઠ સરેરાશ રૂા.૬૦ હજારનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું ચૂંટણી શાખાના સુત્રોએ જણાવ્યું હતું.

સામાન્ય રીતે એક મતદાન મથક દીઠ ચૂંટણી પંચ દ્વારા ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે ગત વિધાનસભાની ચૂંટણીમાં પંચે ૪૦ હજાર સુધીનો ખર્ચ કરવાની મંજુરી આપી હતી પરંતુ રાજકોટ શહેર-જિલ્લામાં અનેક બુથમાં ખર્ચ ઓછો થયો હતો. જ્યારે અમુક બુથમાં ખર્ચ વધી ગયો હતો. જો કે ગત ચૂંટણીમાં એક બુથ દીઠ સરેરાશ ૫૦ હજાર આસપાસ ખર્ચ કરવામાં આવ્યો હતો.

આ વખતે સરકારી તંત્રને મોંઘવારી નડી હોય તેમ ગત વખત કરતા આ વખતે એક બુથ દીઠ સરેરાશ ૧૦ થી ૧૫ હજાર સુધીનો વધુ ખર્ચ થયો છે જો કે હજુ સત્તાવાર રીતે ખર્ચના હિસાબો રજુ કરવામાં આવ્યા નથી પરંતુ આગામી સોમવાર સુધીમાં તમામ ૮ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી દ્વારા ખર્ચના હિસાબ રજુ કરી દેવામાં આવશે.

અત્યાર સુધીમાં ચૂંટણી પંચ દ્વારા રાજકોટ જિલ્લા વહીવટી તંત્રને ખર્ચ પેટે માત્ર અઢી કરોડ રૂપિયાની ગ્રાંટ ફાળવવામાં આવી છે આઠ વિધાનસભા બેઠકમાં સરકારી તંત્રને રૂા.૧૩.૫૯ કરોડનો ખર્ચ થયો હોય વધુ ૧૦ કરોડનું ચુકવણુ કરવા માટે પંચ પાસે ગ્રાંટની માંગણી કરવામાં આવી છે.

ચૂંટણી કામગીરી માટે રોકાયેલ ૮૦૦૦થી વધુ સ્ટાફમાંથી ૫૦ ટકા સ્ટાફને કામગીરીનું વળતર ચુકવી દેવામાં આવ્યું છે. પી-૧ને રૂા.૧૬૫૦ (૪ દિવસ) અને પી-૨ ને રૂા.૧૫૦૦નું મહેનતાણુ આપવામાં આવે છે. ચૂંટણી પંચે ગ્રાંટ રીલીઝ નહીં કરતા ૫૦ ટકાથી વધુ સ્ટાફને મહેનતાણુ ચુકવાયું નથી.