
- મેની ફેસ્ટોમાં કરાયેલા વાયદાઓ બજેટમાં જોવા ના મળ્યા, બજેટમાં કરાયેલી જોગવાઈઓ ગ્રાસરૂટ પર જોવા મળતી નથી : આપના ધારાસભ્ય
ગાંધીનગર,
ગુજરાતની ભાજપ સરકારે ચૂંટણી બાદ રજૂ કરેલા પ્રથમ બજેટને કોંગ્રેસે નિરાશાજનક ગણાવ્યું છે. કોંગ્રસે આક્ષેપ કર્યો હતો કે આ બજેટ યુવાનો માટે નિરાશાજનક છે તેમજ બજેટમાં નવી રોજગારી તકો અંગેની કોઇ જાહેરાત કરવામાં આવી નથી. ભાજપે માત્ર રોજગારી વધારવાના વાયદા કર્યા હતા. પરંતુ બજેટમાં તે પૂર્ણ થતાં જોવા મળ્યા નથી.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે ચૂંટણીમાં ભાજપને ૧૫૬ બેઠકો આપ્યા બાદ પ્રજાજનોને બજેટ પ્રત્યે અનેક આશા અને અપેક્ષાઓ હતી. નવી ભરતીઓ, ખેડૂતોના દેવા માફી, સરકારી યોજનાઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં પ્રજાલક્ષી જાહેરાતો થવાની આશા હતી.પરંતુ અમૃતકાળમાં લોકોના ભાગે અમૃત ન આવ્યું. તો વધુમાં કહ્યું કે,ખેડૂતોને આશા હતી કે તેમની આવક બમણી થશે પરંતુ તેનાથી વિપરીત ખેડૂત પાયમાલ છે. ખેડૂતોના આર્થિક દેવા માફ કરવાની બજેટમાં કોઈ જોગવાઇ નથી. ખેડૂતોની આવક વધારવાની પણ કોઇ જોગવાઇ નથી.આ બજેટમાં ખેડ઼ૂતોની આશાઓ ઠગારી નિવડી છે. ખેડૂતો માટે નવી કોઇ જાહેરાત નથી.
ઉપરાંત ગુજરાતના યુવાઓ માટે નવી ભરતીઓ -રોજગારની તકોની જાહેરાત નથી. ગુજરાતના અલગ કર્મચારી સંગઠનો દ્વારા ચૂંટણી પહેલા આંદોલનો કર્યા હતા. આશા વર્કર બેન,આંગણવાડી બહેનો ,ફિક્સ પગારદારોને આશા હતી કે અમારી માંગણીઓ સંતોષાશે પરંતુ આવુ કંઈ થયુ નહીં. જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે પણ કર્મચારીઓને જે વચનો આપેલા એ પૂરા નથી કર્યા. ચૂંટણી પૂરી થઇ એટલે સરકાર બધું ભૂલી ગઇ છે.
કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બજેટને નિરાશાજનક ગણાવ્યું છે. જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યુ કે, ચૂંટણીમાં આપેલા વાયદાઓ કરતા બજેટ અલગ જ છે. રાજસ્થાન સરકાર દ્વારા ૫૦૦ રુપિયામાં ગેસનો બાટલો આપવાનું વચન આપવામાં આવ્યુ છે. ગુજરાત સરકારે મોંઘવારી સામે લડવા કંઈ ન કર્યું. દલિત, લઘુમતી, આદિવાસીઓ માટે બજેટમાં કંઈ જ આપવામાં આવ્યુ નથી. નર્મદા કેનાલનું નેટવર્ક વધારે લંબાવવા માટેની પણ જોગવાઈ બજેટમાં નથી. શિક્ષણ, આરોગ્ય અંગે બજેટમાં નવું કંઈ જ જોવા ન મળ્યુ.
આપના ધારાસભ્ય ચૈતર વાસવાએ બજેટને લઇને નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, મેની ફેસ્ટોમાં કરાયેલા વાયદાઓ બજેટમાં જોવા ના મળ્યા, બજેટમાં કરાયેલી જોગવાઈઓ ગ્રાસરૂટ પર જોવા મળતી નથી. વર્તમાન માટે યોજના માટે કંઈ કહેવામાં ના આવ્યું, નર્મદા જ્યાંથી પસાર થાય તે નર્મદા,પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર માટે વ્યવસ્થા ના કરાઈ.
જો કે અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બજેટને લઇને કહ્યુ કે રાજ્ય સરકારના બજેટને આવકારુ છુ. તેમણે જણાવ્યુ કે, અરવલ્લી જિલ્લામાં નવી મેડિકલ કોલેજ આપવામાં આવી છે. બાયડ-માલપુર તાલુકામાં કોલેજની માંગણી સંતોષવામાં નથી આવી. તો આવાસ યોજનામાં વધારાની માગ પૂર્ણ નથી થઈ.