ઝાલોદ નગર પાલિકામાં થયેલ ભ્રષ્ટાચાર ની કડી પણ હિરેન પટેલ ની હત્યામાં તપાસની કડી

  • સહી ની નકલ કરવામાં પારંગત કાઉન્સિલર ની પાલિકાના ભ્રષ્ટાચારમાં મહત્વ ની ભૂમિકા હોવાની ચર્ચા.
  • વોન્ટેડ આરોપી સહિત, સોપારી આપનાર ઇસમ સાથે ઘનિષ્ઠતા ધરાવતા કાઉન્સિલર ની પણ તપાસ હાથ ધરવી જરૂરી.

ઝાલોદ,
હિરેન પટેલ હત્યાકાંડ માં પકડાયેલા કુલ ૬ જેટલા આરોપીઓ હાલ જ્યુડીસિયલ કસ્ટડી માં મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે આ હત્યાકાંડ ના મૂળ માં પાલિકા ની સત્તા તથા ગત અઢી વર્ષ ના શાસનકાળમાં, થયેલા કોંભાડો પણ કારણભૂત હોવાનું પ્રાથમિક તબ્બકે કહેવામાં આવી રહ્યું છે. અને આથી જ પોલીસ દ્વારા પણ ગત અઢી વર્ષ ના શાસનકાળ માં થયેલા કામો અંગેનો સમગ્ર હિસાબ મંગાવી અને આ એંગલ પણ તપાસવામાં આવતા તેમાં વધુ બહાર આવી શકે તેમ છે.

પાલિકા ના કર્મીઓ હાલ આ માહિતીઓ એકઠી કરી અને પોલીસ ને પહોંચાડવા માટે લાગી ગયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે પાલિકા માં થયેલા કરોડો નો ભ્રષ્ટાચાર કોની કોની મદદ થી આચરવામાં આવ્યો તેમ પણ બહાર આવી શકે તેમ હોવાથી હાલ પાલિકામાં ભ્રષ્ટાચાર આચરનાર ઈસમો થી માંડી ને હિરેન પટેલ ની હત્યા માં સામેલ નાના મોટા તમામ માથાઓ ના માથા પર ચિંતાના વાદળો ઘેરાયા છે. અને કેટલાક તો ભૂગર્ભ માં પણ ઉતરી ગયા હોવાનું જાણ માં આવી રહ્યું છે. ત્યારે પોતાને પાલિકાના માંધાતા અને સર્વેસર્વા માનતા પાલિકા ના કાઉન્સિલર ના પણ પાલિકા ના ભ્રષ્ટાચાર ની તપાસ ને લઈને ઊંઘ ઊડી ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ગત અઢી વર્ષ માં થયેલો આ ભ્રષ્ટાચાર કરોડો ના આંકડા ને પાર કર જવા પર છે. અને આ ભ્રષ્ટાચાર ની સામે અવાજ ઉઠાવવા બદલ તેમજ તેની તપાસ ન થાય તે માટે જ કદાચ હિરેન પટેલ ની હત્યા થઈ હોવાનું હાલ તો માનવામાં આવી રહ્યું છે. પોલીસ પણ આ દિશા માં જ તપાસ આગળ વધારી અને મુખ્ય માથાઓ સુધી પહોંચવા સતત પ્રયત્નશીલ છે. તો હત્યાના મૂળમાં રહેલ સત્તા ના રાજકારણ થી લઈને પાલિકા ના ભ્રષ્ટાચાર ના મુળિયા સુધીની ઝીણવટ ભરી તપાસ માં લાગેલી છે.

ત્યારે નકલી સહી કરવામાં માસ્ટર એવા કાઉન્સિલર ની પાલિકા માં આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર માં મહત્વ ની ભૂમિકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો પાલિકા ના કેટલાક કર્મચારીઓ પણ આમાં સામેલ હોવાની આશંકા વચ્ચે આ અંગે પણ તપાસ માં વધુ બહાર આવે તેવી શક્યતાઓ તો છે જ સાથે સાથે આ ની સામે અવાજ ઉઠાવનાર હિરેન પટેલ ને પણ ન્યાય મળે તેમ છે.