અદાણીને સુપ્રીમ કોર્ટનો ઝટકો, રિપોર્ટિંગ પર રોક લગાવવાનો ઈનકાર

નવીદિલ્હી,

અદાણી મુદ્દે હિડનબર્ગના રિપોર્ટ બાદ કંપનીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. શેર બજારમાં ભારે નુક્સાન વચ્ચે હવે અદાણીને સુપ્રીમ કોર્ટે પણ ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ અદાણીને લઈને મીડિયા રિપોર્ટ પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ એમએલ શર્માએ કોર્ટ સમિતિ પર તેનો ચુકાદો ન આપે ત્યાં સુધી મીડિયામાં અદાણી-હિંડનબર્ગ મુદ્દા પર રિપોર્ટિંગ રોકવાની માંગ કરી હતી.

આ મુદ્દે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, અમે મીડિયા પર પ્રતિબંધ નહીં લગાવીએ, અમે અમારો આદેશ આપીશું. આ પહેલા સુપ્રીમ કોર્ટે ૧૭ ફેબ્રુઆરીએ શોર્ટ-સેલર હિન્ડેનબર્ગ રિસર્ચના અહેવાલ અંગે ચાર અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. અહીં તમને જણાવી દઈએ કે, હિડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને ૧૦૦ મિલિયન ડોલરીથી વધુનું નુક્સાન થયું છે. સુપ્રીમ કોર્ટમાં જનારા આ અરર્જીક્તાઓમાં એડવોકેટ એમએલ શર્મા પણ સામેલ છે. તેમણે સેબી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સામે હિંડનબર્ગ રિસર્ચના સ્થાપક નાથન એન્ડરસન અને ભારતમાં તેમના સહયોગીઓ સામે તપાસ કરવા અને એફઆઈઆર નોંધવા માટે નિર્દેશની માંગ કરી છે.

આ સિવાય એમએલ શર્માએ લિસ્ટેડ કંપનીઓને લગતા મીડિયા અહેવાલો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. વકીલ એમએલ શર્મા, વિશાલ તિવારી, કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને મુકેશ કુમાર સુપ્રીમ કોર્ટમાં ગયા છે. આ તમામે આ મુદ્દે સર્વોચ્ચ અદાલતમાં ચાર પીઆઈએલ દાખલ કરી છે. વિશાલ તિવારીએ તેમની પીઆઈએલમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના વેપારી જૂથ સામે અનેક આક્ષેપો કરનારા હિંડનબર્ગ સંશોધન અહેવાલની તપાસ કરવા માટે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ એક સમિતિ રચવા માટે કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરી હતી.

આ સિવાય કોંગ્રેસ નેતા ઠાકુરે અદાણી ગ્રુપની કંપનીઓ સામે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની દેખરેખ હેઠળ તપાસની માંગ કરી છે. ચોથી પીઆઈએલમાં અદાણી જૂથ વિરુદ્ધ છેતરપિંડી અને શેરના ભાવમાં છેતરપિંડી કરવાના આરોપોને પગલે પેનલ અથવા પૂર્વ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની દેખરેખ હેઠળ કેન્દ્ર સરકારની બહુવિધ એજન્સીઓ દ્વારા તપાસની માંગ કરી છે.